એટલું ગુજરાતી સાહિત્ય ગજબ છે તેટલા જ તેના રૂઢિપ્રયોગો અને કહેવતો પણ અજબ છે. બોલીની આ શૈલી દરેક ભાષામાં હશે જ પણ જે મીઠાશ ગુજરાતી બોલનારની જીભમાં અને સાંભળનારના કાનમાં આવે છે તે અદભુત છે. તમે અવલોકન કર્યું જ હશે કે કોઈ પણ આખી બાંયવાળા શર્ટમાં તેના કાંડાના ભાગે પહેલા માત્ર એક બટન અને એક ગાજ હતા. તેનાથી રિસ્ટ ઉપર બાંય લોક કરી શકાય. અત્યારના શર્ટમાં કાંડા પાસેના બાંયના છેડે બે ગાજ એક બટન હોય છે. જ્યારે બટન તૂટે અને બાંય લઘરવઘર ના રહે તે માટે કફલિંક્સની શોધ થઈ હશે, આવા જુગાડ પાછળ કોઈ હેબિચ્યુઅલ બટન તોડ પતિની આળસુ પત્નીનો જ હાથ હશે. જેવું બટન તૂટે તો પણ કફલિંક્સ બાંયને જકડી રાખશે, આના બાયપ્રોડક્ટ તરીકે પુરષને ‘શો ઓફ કરવા માટેનું એક નાનું હીરામાણેક જડિત કફલિંક્સના રૂપે નાની ફેશન એસેસરી જેવું પણ મળ્યું.
ભાષામાં આવો જ જુગાડ કોઈ આળસુ પણ વિદ્વાન વક્તાથી જ રૂઢિપ્રયોગો અને કહેવતોના રૂપે થયો હશે. આમ તો કોઈ પણ વાતને સામાન્ય રૂપમાં કહેવા માટે સામાન્ય શબ્દ તેમ જ વાકયરચના ઉપયોગમાં લેવાય છે. આ જ વાતને અસરકારક રીતે કહેવામાં કે તેમાં ‘તડકો’ લાવવા રૂટીન લાંબું લેકચર કામમાં નથી આવતું. તેમાં વઘાર ટાઈપ ભાષાપ્રયોગનો ઉપયોગ થાય છે જેને ‘રૂઢિપ્રયોગ અને કહેવતો’ કહેવાય છે. જેમ કે કોઈ મંદબુદ્ધિ માણસને ‘તારી બુદ્ધિ નબળી છે, તારી સમજમાં નાની અમથી વાત પણ નથી આવતી?’ આવું લાંબું કહેવાને બદલે તું ‘અક્કલનો ઓથમીર’ કે ‘બુદ્ધિનો બળદિયો’ છે તેવું કહીએ તો તેની ધારી અને પૂરેપૂરી અસર વ્યક્ત થાય છે. રૂઢિપ્રયોગો બે કે ત્રણ શબ્દોના હોય છે. કહેવતો એક નાના વાક્ય જેવી હોય છે.
કોઈ વ્યક્તિને સાચું અને સરસ કામ કરવું હોય પણ તે ખોટી અને ફાલતુ મહેનત કરે જ રાખતો હોય તો તેને માટે ‘હોઠ ચાવવાથી પેટ ના ભરાય’ જેવી કહેવત વપરાય છે. હોઠથી વાયા દાંત છેક પેટ સુધી પહોળી થયેલી આ કહેવતનું અનુમાન કયા વિદ્વાનશ્રીએ કર્યું હશે તેના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. એટલું નક્કી કરી શકાય કે તેની આસપાસના લોકો અથવા તેના નોકરચાકરો થોડા મંદબુદ્ધિ હોવા જોઈએ. આ કહેવતનો ઈફેક્ટીવ અર્થ એવો થાય છે કે સતત નિરર્થક પ્રયત્ન કરવાથી ધારેલું કાર્ય સિદ્ધ નથી થતું. ક્રિકેટની જબાનમાં સમજીએ તો કોઈ મેચમાં બેટિંગ સાઈડવાળાને છેલ્લા બોલે જીતવા માટે ચાર કે છ રન કરવાના હોય તો ફિલ્ડીંગ સાઈડ વાળી ટીમના બે ચાર સચિન અને અઝહર જેવા ખેલાડીઓ તો રીતસરના નખ ચાવતા જોવા મળે છે.
આ નખચાવ પ્લેયર્સ અને પેવેલિયન કે TV ઉપર મેચ જોનારાઓને પણ ખબર છે કે આવી રીતે કેપ્ટનના નખ ચાવવાથી યોર્કર બોલ પડવાનો નથી કે પેલો ક્લીન બોલ્ડ થશે. તે માટે બોલરે દોડીને પગથી એને વીંઝીને હાથથી સ્વીંગ બોલ નાંખવાની મહેનત કરવી પડશે. બેટ્સમેનનો શોટ હવામાં ઉછળ્યો તો ફીલ્ડરે કેચ કરવો પડશે. પોલિટિક્સમાં પણ આ કહેવત જોરદાર લાગુ પડે છે. રાહુલ ગાંધી કે તેમની પૂરી કોંગ્રેસ સેના તેમનાં કામો બતાવવાને બદલે મોદીજી અને ભાજપને છેલ્લાં દસ વરસથી જે ગાળો આપ્યા કરે છે અને પાછા હારે પણ છે તે બતાવે છે કે તેઓ હોઠ ચાવ્યા કરે છે. તેનાથી તેમનું પેટ કે લોકસભાની સીટો ભરાવાની નથી. ભલે એ સત્ય હોય કે જાતે જ પોતાના હોઠ ચાવવામાં ક્યારેય કોઈનું પેટ ભરાયું નથી તો એ અસત્ય પણ નથી કે એકબીજાના હોઠ ચાવવામાં કેટલાક પ્રેમી પતંગિયાઓ એવા ઉન્માદીઆ થાય છે કે તેમના એકબીજાના પેટ ભરાય કે ના ભરાય એકબીજાના હોઠ, ગાલ અને ગળા લવબાઈટની નિશાનીઓથી ચોક્કસ ભરાઈ જાય છે.