નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શનિવારે ટીમ ઈન્ડિયાની (Team India) નવી પસંદગી સમિતિની (selection committee) જાહેરાત કરવામાં આવી છે. ફરી એકવાર ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન શર્માને (Chetan Sharma) નવા ચીફ સેલેક્ટર (Chief Selector) તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ટી-20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) ખરાબ પ્રદર્શન બાદ BCCIએ પસંદગી સમિતિને હટાવી દીધી હતી, ત્યારબાદ નવી સમિતિની શોધ ચાલી રહી હતી. તે સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા પણ હતા.
ટીમ ઈન્ડિયાની નવી પસંદગી સમિતિ
- ચેતન શર્મા (ચેરમેન)
- શિવ સુંદર દાસ
- સુબ્રતો બેનર્જી
- સલિલ અંકોલા
- શ્રીધરન શરથ
હાલમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે ટી-20 સિરીઝ રમી રહી છે, ત્યારબાદ વનડે સિરીઝ પણ યોજાવાની છે. નવી પસંદગી સમિતિ હવે ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ટીમ પસંદગીના પડકારનો સામનો કરશે. આ ઉપરાંત સૌથી મોટો નિર્ણય એ હશે કે શું T20 ફોર્મેટ માટે અલગ કેપ્ટન બનાવવામાં આવશે. આ વર્ષે ODI વર્લ્ડ કપ પણ યોજાવાનો છે, આવી સ્થિતિમાં નવી પસંદગી સમિતિએ અત્યારથી જ રોડમેપ તૈયાર કરવો પડશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે જાહેરાત કરી હતી કે સુલક્ષણા નાયક, અશોક મલ્હોત્રા અને જતિન પરજનપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા નવી અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિની પસંદગી કરવામાં આવી છે. આ માટે લગભગ 600 અરજીઓ મળી હતી, ત્યારબાદ 11ની પસંદગી કરવામાં આવી હતી અને તે બધા માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. અંતે, સલાહકાર સમિતિએ આ પાંચને વરિષ્ઠ પસંદગી સમિતિ માટે પસંદ કર્યા છે.
અગાઉ પણ ચેતન શર્મા જ ચીફ સિલેક્ટર હતા
જણાવી દઈએ કે ચેતન શર્મા અગાઉ પણ બીસીસીઆઈના ચીફ સિલેક્ટર હતા. જોકે થોડા દિવસ પહેલા જ વર્લ્ડકપમાં હાર બાદ તેની આખી ટીમને BCCI દ્વારા હટાવી દેવામાં આવી હતી. હવે ફરી આ જવાબદારી ચેતન શર્માને સોંપવામાં આવી રહી છે. જો કે આ વખતે તેની ટીમના અન્ય 4 સભ્યોના ચહેરા અલગ હશે. જણાવી દઈએ કે આ પહેલા હરવિંદર સિંહ, સુનીલ જોશી, દેબાશિષ મોહંતી અને અબે કુરુવિલાને પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ચેતન શર્માની ટીમમાં શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા અને શ્રીધરન સરતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉની પસંદગી સમિતિના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાને કોઈ મોટી સફળતા મળી ન હતી, એશિયા કપ, બે ટી-20 વર્લ્ડ કપમાં શરમજનક હાર સિવાય ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં મળેલી હારથી બધા પરેશાન થઈ ગયા હતા. આ દરમિયાન પસંદગી સમિતિ પર પણ સવાલો ઉઠ્યા હતા, જ્યારે ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો ત્યારે BCCIએ પસંદગી સમિતિને હટાવી દીધી હતી.
તમને જણાવી દઈએ કે ઘણા પૂર્વ ક્રિકેટરો મુખ્ય પસંદગીકાર અને પસંદગી સમિતિનો ભાગ બનવાની રેસમાં હતા. શરૂઆતમાં સામે આવી રહ્યું હતું કે વેંકટેશ પ્રસાદ, અજીત અગરકર જેવા નામો પણ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બની શકે છે, જોકે બધાને ચોંકાવી દેતા ચેતન શર્માને ફરીથી ચીફ સિલેક્ટરનું પદ સોંપવામાં આવ્યું છે.