વ આનંદ, ચેતન આનંદ અને વિજય આનંદ જૂદી જૂદી દૃષ્ટિ, પ્રકૃતિના હતા, પણ ત્રણેનું પ્રદાન બહુ મોટું છે. ત્રણે અભિનેતા, પણ દેવઆનંદ જ સ્ટાર – અભિનેતા બન્યા. બીજા બન્નેએ શોખ પૂરતો અભિનય કર્યો. ત્રણમાં દિગ્દર્શનની શકિત ચેતન આનંદ અને વિજય આનંદમાં, દેવ આનંદ સ્ટાર અને નિર્માતા. ત્રણેને જુદી જુદી રીતે મૂલવવા પડે. ચેતન આનંદ હંમેશા તેમની ‘નીચાનગર’, ‘હકીકત’, ‘હીરરાંઝા’, ‘આખરી ખત’ અને ‘હંસતે જખ્મ’ ને કારણે પ્રેક્ષકોમાં એક અલગ સ્થાને રહ્યા છે. તેમાંય ‘હકીકત’ અને ‘હીરરાંઝા’ તો એવી કે જે બીજા કોઇ બનાવી ન શકે.
‘હીરરાંઝા’ આમ તો પંજાબની ખૂબ જાણીતી લોકકથા પણ તેને ચેતન આનંદે જે રીતે સાકાર કરી તે અપૂર્વ હતી. આખી ફિલ્મની પટકથા કાવ્યમાં લખાવવી તે સાહસ આજ સુધી તેમના સિવાય કોઇએ કર્યું નથી. એ માટે તેમણે એવા જ જાણીતા કવિ કૈફ આઝમીને પસંદ કર્યા હતા. રાજકુમારને કોઇ પ્રેમી તરીકે પસંદ ન કરે પણ તેમણે કર્યા. પ્રિયા રાજવંશને તો પસંદ નહોતા કરવાના, તે તો હોય અને ‘હીર’ તરીકે યાદગાર બનાવી. તમે આખી ફિલ્મમાં પંજાબને અનુભવી શકો એવા લોકાલ છે, દૃશ્યો છે અને યાદગાર ગીત-સંગીત છે.
૧૯૭૦ ની એ ફિલ્મ અવિસ્મરણીય છે. વારિસ શાહ (૧૭૨૨-૧૭૯૮) જેવા સૂફી કવિનું કાવ્ય એ રીતે પરદા પર જીવંત થઇ ઊઠયું છે કે જાણે વારિસ શાહી કલમ પછી હાથમાં કેમેરા લીધો હોય. ચેતન આનંદે આ ફિલ્મ હીર જયાં જન્મેલી તે પંજાબ (પાકિસ્તાન)નાં ઝંગમાં અને રાંઝા જે તખ્ત હજારામાં જન્મેલો ત્યાં ફિલ્માવી છે. આ સિવાય જહુરાબાદ, રંગપૂરમાં તેનું શૂટિંગ થયેલું. સીટી પેલેસ, જયપુર અને ભારતમાં બીજા સ્થળો તો અલબત્ત છે જ. આ ફિલ્મનાં પાત્રોનાં પહેરવેશ કૈફી આઝમીના પત્ની શૌકત આઝમીએ તૈયાર કરેલા.
હીર માટે તેમણે રો સિલ્કના ચુરીદાર કુર્તા બનાવેલા અને તેની એમ્બ્રોડરી ઘરે કરેલી. ચેતન આનંદને થતું હતું કે આ ફિલ્મમાં અનેક રંગો છે તો ફિલ્મ રંગીન જ બનશે ને પહેલીવાર તેમણે આ પોતાની ફિલ્મને રંગીન બનાવેલી. જાલ મિસ્ત્રી જેવા સિનેમેટોગ્રાફરે બડી ખૂબસૂરતીથી ફિલ્માંકન કરેલું (એ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળેલો). આ ફિલ્મમાં બધા જ કવિતામાં વાત કરે છે અને રાજકુમાર પોતે તો ઉર્દૂ કવિતાના ચાહક હતા જ એટલે તેમને આ કાવ્યાત્મક સંવાદ બોલવામાં મુશ્કેલી નહોતી આવેલી પણ પ્રિયા રાજવંશ તો લંડનના રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટમાં પ્રશિક્ષિત થઇને આવેલા એટલે તકલીફ પડતી પણ ચેતન આનંદ, કૈફી આઝમી અને રાજકુમારે તેમના ઉચ્ચાર પણ શુદ્ધ બનાવેલા. (કૈફીસાહેબે મોન્ટ બ્લાન્ક પેનથી સંવાદ લખેલા) પણ પ્રાણ, જયંત, જીવન પણ આ ફિલ્મનાં સંવાદમાં એવા જ પ્રભાવી જણાશે. ચેતન આનંદે ફિલ્મને દરેક બાબતે અધિકૃત બનાવી છે.
રાજકુમાર – પ્રિયા રાજવંશ, પ્રાણ વગેરે ઉપરાંત તેમણે પૃથ્વીરાજકપૂર, અજીત, કામિની કૌશલ, અચલા સચદેવ, સપ્રુ વગેરે એ રીતે પસંદ કરેલા કે તે બોલે ત્યારે કે પરદા પર ઊભા હોય તો પણ પંજાબી લાગે. ચેતન આનંદની બીજી કમાલ એ હતી કે આ ફિલ્મને તેમણે ડબિંગથી મુકત રાખેલી. કળાકારો શૂટિં દરમ્યાન જે બોલ્યા તેને જ જાળવી રાખેલું. કવિતામાં સંવાદ હોય તો અમુક ટોન, અમુક ભાવથી બોલાયા હોય તે પછી ડબિંગમાં ન આવે તો અસર ઓછી થઇ જાય. આટલી શિદ્દતથી ફિલ્મ બનાવે તો સફળ થયા વિના કઇ રીતે રહે? ફિલ્મ જોવાને તેમણે એક અનુભવમાં ફેરવી નાંખી કે પ્રેક્ષક તેનું કશું જ ભૂલી ન શકે. હીરને જોયા પછી રાંઝા દિલ દઇ બેઠો છે ને પહેલીવાર હીરને તે જે રીતે લાગણી વ્યકત કરે છે તે યાદગાર છે.
ઉસસે કહના કી તુમ મેરા એક ખ્વાબ હો
જો ચમકતા હે દિલ મેં વો માહતાબહો
ઉસસે કહેના કી ગેહું કે ખેતોં કા રંગ
તિલમિલાતી હુઇ તિતલિયોં કી ઉમંગ
ઉસસે કહના કી ઝરનોં કા ચંચલ શબાબ
ઘાટકી તાજગી આબરુ-એ-ચનાબ
ઉસસે કહના કી ઝૂલોંકી અંગડાઇયાં
ઔર ઉડતે દુપટ્ટો કી શહનાઇયાં
ઉસસે કહના કી ચકકી કે ગીતોં કી આગ
લડખડાતી જવાની મચલતા શબાબ
ઉસસે કહના કી દુલ્હોંકી કાજલ કી ચાસ
પહેલે બોસે કી ગરમ ઔર ઠંડી મિઠાસ
ઇતની રંગીનિયોં કો જબ યકજા કિયા
હીર કુદરતને તબ તુઝકો પૈસા કિયા
હવે તમે જ કહો, રાંઝાને ચાહ્યા વિના હીર રહી જ કેમ શકે? ને તે તો પછી ય કહે છે:
દેખ શકતી કાશ અપના હુશ્ન મેરી આંખ સે
તુને સબ પાયા હૈ આ શિકકી નજર પાઇ નહીં
જબ સે દેખા તુઝકો દુનિયા કી તરફ દેખા નહીં
જબ સે ચાહા તુઝકો અપની યાદ ભી આઇ નહીં
તુઝ કો પાના ઝિંદગી હૈ, તુઝકો ખોના મૌત હે
ઔર કુછ ઇસકે સિવા મેરે ફસાને મેં નહીં
માંગ ગુંગા મે ખુદા સે યા ચુરા લુંગા તુઝે
તુઝસા મોતી દૂસરા ઉસકે ખજાને મેં નહીં
એ વાત જુદી કે તેઓ જીવંત જીવત એકબીજાને કાયમ માટે મેળવી શકતા નથી. હીર ડોલીમાં જ મૃત્યુ પામે છે. તેને ઝેરવાળો પેંડો ખવડાવ્યો છે એટલે તે મૃત્યુ પામી છે ને રાંઝા પોતાને કટાર મારી દે છે…. બંને મળે છે પણ જીવન નથી હવે.
પરદા પર જોશો તો કહાણી જીવંત થઇ ઉઠશે. ‘હીરરાંઝા’ પરથી ૧૯૯૨ માં ફરી ય ફિલ્મ બનેલી જેમાં અનિલકપૂર, શ્રીદેવી છે પણ કોઇને યાદ નથી. ૧૯૭૦ માં જ પાકિસ્તાનમાં ય ‘હીરરાંઝા‘ ફિલ્મ બનેલી જેમાં એઝાઝ દુરાની અને ફીરદૌસ બેગમની મુખ્ય ભૂમિકા હતી. બાકી ૧૯૫૫ માં ય ‘હીર’ નામે પંજાબીમાં બની છે પણ ચેતન આનંદની ફિલ્મનો મુકાબલો કોઇ ન કરી શકે.