ટૂંક સમયમાં જ ચેક બાઉન્સ (Cheque Bounce) થયેલા લોકોની આવી બનવાની છે. વાસ્તવમાં જાણી જોઈને ચેક બાઉન્સ થવાના વધતા મામલાને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલય ઘણા કડક પગલાં લેવા જઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચેક બાઉન્સના મામલાઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે નાણા મંત્રાલય ચેક ઇશ્યુ કરનારના અન્ય ખાતામાંથી પૈસા કાપવા અને આવા મામલામાં નવા ખાતા ખોલવા પર પ્રતિબંધ જેવા અનેક પગલાઓ પર વિચાર કરી રહ્યું છે.
- ચેક બાઉન્સ થવાના વધતા મામલાને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલય ઘણા કડક પગલાં લેવા જઈ રહ્યું છે
- નાણા મંત્રાલય ચેક ઇશ્યુ કરનારના અન્ય ખાતામાંથી પૈસા કાપવા મામલે વિચાર કરી રહ્યું છે
- સૂચનો અમલમાં મૂકવામાં આવે તો ચુકવણીકારને ચેકના નાણાં ચૂકવવાની ફરજ પડશે અને મામલો કોર્ટમાં લઈ જવાની જરૂર રહેશે નહીં
ચેક બાઉન્સના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મંત્રાલયે તાજેતરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં ખાતાધારક વિરૂદ્ધ કાર્યવાહી કરવા મામલે ઘણા સૂચનો મળ્યા છે. હકીકતમાં આવા કિસ્સાઓ કાયદાકીય વ્યવસ્થા પર બોજ વધારે છે. તેથી આવા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે જેમાં કાયદાકીય પ્રક્રિયા પહેલા કેટલાક પગલાં લેવામાં આવે. ઉદાહરણ તરીકે જો ચેક આપનારના ખાતામાં પૂરતા પૈસા નથી તો તે રકમ તેના અન્ય ખાતામાંથી કાપવામાં આવશે. . સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસને લોન ડિફોલ્ટ તરીકે ગણવામાં આવે છે અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને તેની જાણ કરવામાં આવે છે જેથી વ્યક્તિના માર્ક્સ ઘટાડી શકાય.
પહેલા કાયદાકીય અભિપ્રાય લેવામાં આવશે
આ સૂચનો સ્વીકારતા પહેલા કાનૂની અભિપ્રાય લેવામાં આવશે. જો આ સૂચનો અમલમાં મૂકવામાં આવે તો ચુકવણીકારને ચેકના નાણાં ચૂકવવાની ફરજ પડશે અને મામલો કોર્ટમાં લઈ જવાની જરૂર રહેશે નહીં. આનાથી વ્યવસાય કરવાની સરળતા વધશે અને ખાતામાં પૂરતા પૈસા ન હોય ત્યારે પણ ઇરાદાપૂર્વક ચેક જારી કરવાની પ્રથાને પણ તપાસવામાં આવશે. ચેક ઇશ્યુ કરનારના અન્ય ખાતામાંથી રકમની આપોઆપ કપાત માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા અને અન્ય સૂચનોનું પાલન કરવું પડશે.
ચેક બાઉન્સનો કેસ સજાપાત્ર ગુનો છે
ચેક બાઉન્સ થવાનો કેસ કોર્ટમાં દાખલ કરી શકાય છે અને તે દંડ સાથે શિક્ષાપાત્ર ગુનો છે. આ શિક્ષા ચેકની બમણી રકમ અથવા બે વર્ષ સુધીની કેદ અથવા બંને સાથે થઈ શકે છે. ઇન્ડસ્ટ્રી બોડી PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ તાજેતરમાં નાણા મંત્રાલયને વિનંતી કરી હતી કે ચેક બાઉન્સ થવાના કિસ્સામાં થોડા દિવસો માટે બેંક ઉપાડ પર ફરજિયાત મોરેટોરિયમ જેવા પગલાં ભરવા જોઈએ. જેથી ચેક ઇશ્યુ કરનારને જવાબદાર બનાવી શકાય.