Sports

ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસે જ ભારત 308 રનની લીડ સાથે મજબૂત સ્થિતિમાં

ચેન્નાઈઃ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના બીજા દિવસે આજે પહેલી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 149 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારતને 227 રનની લીડ મળી હતી. ભારતે ફોલોઓન ન કરવાનો નિર્ણય લઈ ફરી બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. જોકે, ભારતીય ઓપનર્સ બીજી ઈનિંગમાં ફ્લોપ રહ્યાં છે.

પહેલી ઈનિંગની જેમ કેપ્ટન રોહિત શર્મા બીજી ઈનિંગમાં સસ્તામાં આઉટ થયો છે. રોહિત માત્ર 5 રન બનાવી શક્યો છે. તેને તસ્કીન અહેમદે આઉટ કર્યો છે. પહેલી ઈનિંગમાં અર્ધ સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ બીજી ઈનિંગમાં નિષ્ફળ રહ્યો છે. તે માત્ર 10 રન બનાવી નાહીદ રાણાનો શિકાર બન્યો છે. વિરાટ કોહલી પણ નિષ્ફળ રહ્યો છે. કોહલી માત્ર 17 રન બનાવી આઉટ થયો છે. મેહેડી હસને તેને આઉટ કર્યો છે.

કોહલી એલબીડબ્લ્યુ આઉટ થયો છે. જોકે, તેણે રિવ્યુ લીધો હોત તો બચી જાત. કારણ કે બેટની કટ લાગ્યા બાદ બોલ પગ પર વાગ્યો હતો. જોકે, રિવ્યુ ન લીધો એટલે ભારતે ત્રીજી વિકેટ ગુમાવવી પડી હતી. દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 81 રન બનાવી લીધા છે. આ સાથે જ ભારતની લીડ 308 રનની થઈ છે. દિવસના અંતે શુભમન ગિલ (33) અને ઋષભ પંત (12) રમતમાં છે.

ભારતીય ટીમ 376 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. ત્યાર બાદ બાંગ્લાદેશની ટીમ બેટિંગ પર આવી હતી, જોકે ભારતીય બોલિંગ આક્રમણ સામે બાંગ્લાદેશી બેટ્સમેનો ટકી શક્યા નહોતા. બાંગ્લાદેશની આખી ટીમ 149 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારતને 227 રનની લીડ મળી હતી.

બાંગ્લાદેશ તરફથી પહેલી ઈનિંગમાં સૌથી વધુ 32 રન શાકિબ અલ હસને બનાવ્યા હતા. લિટન દાસે 22 અને શાંતોએ 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. આ સાથે બુમરાહે 400 ઈન્ટરનેશનલ વિકેટ પુરી કરી છે. સિરાજ, આકાશ અને જાડેજાએ 202 વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશની ટીમે આજે તા. 20 સપ્ટેમ્બર તેમની પહેલી ઈનિંગની શરૂઆત કરી હતી. જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશને ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં ઝટકો આપ્યો હતો. શાદમાન ઈસ્લામ (2) બુમરાહના બોલને છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બોલ અંદરની તરફ આવ્યો અને તે ક્લીન બોલ્ડ થયો. આ પછી આકાશ દીપનો જાદુ શરૂ થયો. તેણે બાંગ્લાદેશી ઇનિંગ્સની નવમી ઓવરમાં સતત બે બોલ પર ઝાકિર હસન (3) અને મોમિનુલ હક (2)ને ક્લીન બોલ્ડ કર્યા હતા. એક સમયે તે હેટ્રિક લેવાની સ્થિતિમાં હતો, પરંતુ મુશફિકુર રહીમે તેને અટકાવ્યો હતો.

ભારતની પ્રથમ ઇનિંગની ખાસ વાતો
ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન (113) અને રવિન્દ્ર જાડેજા (86) બેટિંગમાં સ્ટાર હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી 24 વર્ષના હસન મહમૂદે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ઇનિંગ્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ભારતની ત્રણ વિકેટ 34 રનમાં પડી ગઈ હતી. ત્રણેય વિકેટ રોહિત (6), ગિલ (0), કોહલી (6)ની હતી, તેઓને હસન મહમૂદે આઉટ કર્યા હતા. રિષભ પંત (39) લયમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે પણ હસન મહેમૂદનો શિકાર બન્યો હતો.

યશસ્વી જયસ્વાલ વિકેટ પર રહ્યો અને તેણે 56 રનની ઇનિંગ રમી, પરંતુ 144ના સ્કોર પર તે નાહિદ હુસૈનના બોલ પર સ્લિપમાં ઉભેલા શાદમાન ઇસ્લામના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ આ સ્કોર પર કેએલ રાહુલ 52 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો.

આ પછી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ભારતની ઇનિંગ સંભાળી હતી. મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ પોતાની ઇનિંગને 86 રનથી આગળ લંબાવી હતી, પરંતુ તે આ સ્કોરમાં ઉમેરી શક્યો નહોતો અને તસ્કીન અહેમદના બોલ પર લિટન દાસના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે જાડેજા આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 343/7 થઈ ગયો હતો. જાડેજા અને અશ્વિન વચ્ચે 199 રનની ભાગીદારી થઈ હતી. આ સાથે જાડેજા તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારવામાં પણ ચૂકી ગયો હતો.

જાડેજા પછી આકાશદીપ બેટિંગ કરવા આવ્યો, જેણે કેટલાક મનમોહક શોટ રમ્યા બાદ 17 રન બનાવ્યા અને તસ્કીન અહેમદના બોલ પર બાંગ્લાદેશી કેપ્ટન શાંતોના હાથે કેચ આઉટ થયો. જ્યારે આકાશદીપ આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 367/8 થઈ ગયો હતો. આ પછી રવિચંદ્રન અશ્વિન (113)ના સ્કોર પર આઉટ થયો અને ટીમનો સ્કોર 374/9 થઈ ગયો. થોડા સમય બાદ જસપ્રીત બુમરાહ (7) આઉટ થયો હતો.

આ રીતે ભારતીય ટીમ 376 રનમાં સમેટાઈ ગઈ હતી. હસન મહમૂદની પાંચ વિકેટ ઉપરાંત તસ્કીન અહેમદે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મેહદી હસન મિરાજ અને નાહીદ રાણાને 1-1 સફળતા મળી હતી. હસન મહમૂદ બાંગ્લાદેશ તરફથી ભારતની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે.

Most Popular

To Top