SURAT

મોડી રાત્રે સચિન-પલસાણા રોડ પર આલ્ફા હોટલ પાસે કેમિકલ ભરેલાં ટેન્કર અથડાતાં આગ

સુરત: (Surat) મંગળવારની મોડી રાત્રે સચિન-પલસાણા હાઇવે (High Way) પર આલ્ફા હોટલ (Alfa Hotel) પાસે કેમિકલ ભરેલું ટેન્કર એક પાણી ભરેલા ટેન્કર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. તેમજ કેમિકલ ભરેલું ટેન્કર સળગી ઊઠતાં આગ લાગી હતી. ટેન્કરમાં કેમિકલ હોવાથી આગે થોડી જ વારમાં ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું હતું તેમજ આજુબાજુના લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો. દરમિયાન ફાયર (Fire) વિભાગને જાણ કરતાં ભેસ્તાન ફાયર સ્ટેશનના રાજુભાઇ ગાયકવાડ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

ટેન્કરમાં જે કેમિકલ હતું તે ઓઇલ જેવું ઘટ અને પ્લાસ્ટિક સાથે મળતું આવતું હોવાથી લીકેજમાંથી વારંવાર બહાર આવતાં વારંવાર આગ લાગતી હતી. જેને કાબૂમાં લેવા ફાયરના જવાનોએ ઘણી મહેનત પડી હતી. વળી, આ કેમિકલ જમીન પર ફેલાઇને ડામરની જેમ જામી જતુ હોવાથી તેને હટાવવામાં પણ ઘણી મુશકેલી પડતી હતી. ફાયર કર્મી રાજુભાઇ ગાયકવાડે જણાવ્યું હતું કે, અકસ્માત સર્જાયા બાદ ટેન્કરના ડ્રાઇવર ભાગી ગયા હતા. તેમજ આ ટેન્કર હજીરા રીલાયન્સ કંપનીનું હોવાની અને 40 હજાર લીટરની ક્ષમતાનું હોવાની જાણ થતાં કંપનીને જાણ કરવામાં આવી હતી, કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમજ કેમિકલને કુલિંગ કરવા માટે ફાયર સ્ટાફની સાથે જોડાયો હતો. જો કે, મોડે સુધી કેમિકલ કયું હતું તે જાણવા મળ્યું નહોતું.

પાંડેસરામાં મધરાતે કાપડના યુનિટના ગોડાઉનમાં આગ ફાટી નીકળી

સુરત : શહેરના પાંડેસરામાં મધરાતે કાપડના યુનિટમાં મધરાતે આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા જીઆઈડીસીમાં સેન્ટ્રલ પાર્કના પ્લોટ નંબર બી 52 માં સુશિલા નામના કાપડના કારખાનામાં ત્રીજા માળે કાપડના ગોડાઉનમાં રાત્રિના બે વાગ્યા અચાનક આગ ફાટી નીકળી હતી. જે ઘટનાની ફાયર વિભાગને જાણ થતાં ભેસ્તાન ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર સાથે અન્ય પાંચ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી. આગ એટલી પ્રચંડ હતી કે લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર એક કલાક સુધી પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો.

આગ કાપડના જથ્થામાં ફેલાતાં કારખાનામાં રહેલા ફર્નિચર અને વાયરિંગ સહિત બળીને ખાખ થઈ ગયું હતું. કાપડના યુનિટમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાની આશંકા લાગી રહી છે. જો કે, બંધ કારખાનું હોવાથી આગમાં કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી. કારખાનેદાર રમણીક દુગ્ગલે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે કાપડના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં અંદર કોઈ વ્યક્તિ હાજર ન હતી. આગ લાગતાં કાપડ, ફર્નિચર અને વાયરિંગને નુકસાન થયું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top