સુરત(Surat): શહેરના પાલ (Pal) વિસ્તારની સંત તુકારામ સોસાયટીમાં રહેતા અને ચેતના ક્લીનીક (Chetna Clinic) નામે દવાખાનું ચલાવતા હોમિયોપેથી ડોક્ટર (Homeopathy Doctor) લોકોને કેનેડાની (Canada) વર્ક પરમિટ (Work Permit) અને સ્ટુડન્ટ વિઝા (Student Visa) અપાવી કમિશનની (Commission) કમાણી કરવાની લાલચમાં એવા ભેરવાયા કે તેમને ઘરબાર વેચવાની નોબત આવી ગઈ છે.
- પાલના ચેતના ક્લીનીકના હોમિયોપેથી ડોક્ટર સાથે 13 કરોડની છેતરપિંડી
- રાજ વર્લ્ડના સ્પેક્ટ્રા ઈમીગ્રેશન એન્ડ ઈન્ટરનેશનલ ટુર્સના સંદીપ કાપડીયાએ છેતર્યા
- કેનેડાના વર્ક અ્ને સ્ટુડન્ટ વિઝાના ક્લાયન્ટના બદલામાં કમિશનની લાલચ આપી ચિટીંગ કર્યું
- ડો. શૈલેષ સુરવેએ કમિશનની લાલચમાં 171 ક્લાયન્ટ્સ ટુર ઓપરેટરને મોકલાવ્યા
- ટુર ઓપરેટરે બોગસ ડોક્યુટમેન્ટ્સ બનાવી ડોક્ટર અને ક્લાયન્ટ્સના 13 કરોડ ચાઉં કરી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર 36 વર્ષીય હોમિયોપેથી તબીબ ડો. શૈલેષ નામદેવ સુરવે તેમની પત્ની ડો. સીમા સાથે પાલ રોડ પર આવેલા અલ્પેશ નગરમાં ચેતના ક્લીનીક નામથી હોમિયોપેથી દવાખાનું ચલાવે છે. તેમના મિત્ર ડો. મિત્તલ પટેલના રેફરન્સના આધારે ડો. શૈલેષ સુરવેએ પાલનપુર ખાતે આવેલા રાજ વર્લ્ડ બિલ્ડિંગમાં સ્પેક્ટ્રા ઈમીગ્રેશન એન્ડ ઈન્ટરનેશનલ ટુર્સના સંદીપ કાપડીયા તથા તેના પત્ની અવનીબેનનો સંપર્ક કર્યો હતો. સંદીપભાઈએ કેનેડાના વિઝા માટે 7.40 લાખનો એસ્ટીમેટ આપ્યો હતો.
બાદમાં કોઈ કારણસર કેનેડા જવાનું કેન્સલ થતા ડો. શૈલેષ સુરવેએ વિઝા લીધો ન હતો, પરંતુ ત્યાર બાદ સંદીપભાઈએ ડો. શૈલેષ સુરવેને એવી ઓફર આપી હતી કે તમે તમારા સંપર્કોથી મને વર્ક પરમિટ અને સ્ટુડન્ટ વિઝાના ક્લાઈન્ટ અપાવો તો હું તમને કમિશન આપીશ. કમિશનની લાલચમાં હોમિયોપેથી ડો. શૈલેષ સુરવેએ સ્પેક્ટ્રા ટુર્સ વાળા સંદીપભાઈને 171 ક્લાઈન્ટ્સ આપ્યા હતા. પરંતુ એકેય ક્લાયન્ટના વિઝા આવી રહ્યાં નહોતા. ઉલટાનું પાસપોર્ટ અને ફાઈલો રિટર્ન આવી રહી હતી તેથી કેનેડા હાઈકમિશનમાં તપાસ કરતા સંદીપ ફ્રોડ હોવાની વાત બહાર આવી હતી. તેની વિરુદ્ધ મહેસાણા સહિત અન્ય શહેરોમાં ફરિયાદ થઈ હોવાનું ખુલ્યું હતું. સંદીપે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ બનાવી છેતરપિંડી કરી હતી. આમ, ડો. શૈલેષ સુરવેની 171 ફાઈલમાં 13,12,93,000નું ચિટીંગ કર્યું હતું. ડો. શૈલેષ સુરવેએ આ ફાઈલો વતી કમિશન લીધું હોય ક્લાયન્ટ્સે તેમની પાસે ઉઘરાણી કરી હતી. તબીબે જે કમિશન લીધું હતું તે ક્લાયન્ટ્સને ચૂકવી દીધું પરંતુ બાકીના રૂપિયા ચૂકવવા માટે મિલકત વેચવાની નોબત આવી છે. ડો. સુરવેએ સંદીપ કાપડીયા અને તેની પત્ની અવની વિરુદ્ધ ફરિયાદ આપતા ડીસીબીએ તપાસ હાથ ધરી છે.