સુરત: પોલીસના નામે લોકોને છેતરતા એક મહાઠગને સુરત પોલીસે પકડી પાડ્યો છે. પોતે પોલીસ ખાતામાં ઊંચી પોસ્ટ પર અંડર કવર એજન્ટ હોવાનો ધાક જમાવીને ફરતા મહાઠગને સુરત પોલીસે જુનાગઢથી પકડી લાવી પાંજરા પાછળ પુરી દીધો છે. જોકે, પોલીસ આ પકડે તે પહેલાં ચીટરે જી-20 સમિટ અને પોલીસ ખાતામાં ટેન્ડર 3 લોકો પાસેથી 28 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા જકાતનાકા પાસે વ્રજવિહાર રેસિડન્સીમાં રહેતા સુધીર લુણાગરિયા અડાજણમાં ભૂલકાભવન સ્કૂલ નજીક દાતાર રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમના કાકાના દીકરા રવિ લુણાગરિયા મોરા ટેકરા ખાતે દાતાર રેસ્ટોરન્ટ ચલાવે છે.
5 મહિના પહેલાં ગોપાલ પટેલ (દેસાઈ) સાથે સુધીરભાઈની મુલાકાત થઈ હતી. ગોપાલ પટેલે પોતે પોલીસમાં અન્ડર કવર એજન્ટ હોવાનો રૂઆબ બતાવી દોસ્તી કરી હતી. પોતાના અલગ-અલગ ફોટા બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં તે સુધીરભાઈની અડાજણની રેસ્ટોરન્ટ પર પણ નિયમિત બેસવા આવતો હતો.
દરમિયાન મે-2023માં ગોપાલે પોલીસ લાઈનના ટેન્ડરમાં 5 લાખ રોકશો તો મોટો ફાયદો થશે એવી વાત કરી હતી. લાલચમાં સુધીરભાઈએ તેને 5 લાખ આપ્યા હતા. અઠવાડિયા બાદ ગોપાલે સુધીર લુણાગરિયાને 6 લાખ પાછા આપ્યા હતા. તેથી વિશ્વાસ વધ્યો હતો. આવું ૨-૩ વખત ચાલ્યું હતું. ભરોસો કેળવ્યા બાદ મોટા ટેન્ડરમાં રોકાણની સ્કીમ આપી 9 લાખ માંગ્યા હતા. સુધીરભાઈના ભાઈ રવિભાઈ તથા કલ્પેશ પટેલને પણ લલચાવ્યા હતા.
ત્રણેય ભાઈઓએ રોકડા 9 લાખ અને બેંક મારફતે 19.40 લાખ મળી કુલ રૂપિયા 28.40 લાખ આપ્યા હતા. બાદમાં રૂપિયા આવ્યા નહોતા. નાણાં પરત માંગ્યા તો ટેન્ડર અટવાઈ ગયું છે, છૂટું થશે ત્યારે બધાના પેમેન્ટ છૂટા થશે એવી વાત કરી હતી. આખરે ગોપાલ દેસાઈ ખોટો માણસો હોવાનું લાગતા અડાજણ પોલીસમાં ફરિયાદ કરી હતી.
અડાજણ પોલીસે ગુનો નોંધી પીઆઈ ગોજીયાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી હતી. ફરિયાદ થઈ ત્યાર બાદથી ગોપાલ ભાગતો ફરતો હતો. કાશ્મીર, ગોવા બેંગ્લોરમાં ફરતો હતો. દરમિયાન પોલીસકર્મી ઈન્દ્રજીતસિંહ, ક્રિપાલસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે ગોપાલ અરજણ પટેલને જુનાગઢના કેશોદથી પકડી પાડયો હતો.
અધિકારીઓ સાથે ફોટા પડાવ્યા બાદ લોકોને ફસાવતો
પોલીસે કહ્યું કે, આરોપી ગોપાલ સરકારી અધિકારીઓ, મોટા નેતા, સેલિબ્રિટી સાથે ફોટા પડાવતો હતો. તે ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રૂઆબ ઉભો કરતો હતો. બાદમાં આ ફોટાનો તે છેતરપિંડી કરવા માટે ઉપયોગ કરતો હતો. ફોટાઓ બતાવી સરકારી ખાતામાં ઓળખાણ છે તેવું પ્રસ્થાપિત લોકોનો વિશ્વાસ કેળવી છેતરતો હતો. ગોપાલ ગાંધીનગર સચિવાલય ખાતે આંટા ફેરા વધુ માર્યા કરતો હતો. ત્યારે ગાંધીનગરમાંથી G -20નું ટેન્ડર નીકળ્યું છે તેમ જણાવીને પણ રૂપિયા પાડવી લીધા હતા.