અમદાવાદ: નકલી ચલણી નોટ છાપીને ગુજરાતના બજારોમાં ફરતી કરનાર યોગગુરૂના નામે ચરી ખાતા પ્રદીપની ગેંગની હાલમાં રિમાન્ડ દરમિયાન ચાલી રહેલી પુછપરછમાં નકલી નોટ છાપવા માટે એક ખાસ પ્રકારનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે, આ સોફ્ટવેરનો ઉપયોગ ચલની નોટોમાં સિરિયલ નંબર ગોઠવવા માટે થતો હતો. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મુકેશ ઠુમ્મર ટેલિગ્રામના માધ્યમથી અન્ય સાગરીતો સાથે સંપર્કમાં રહી ચાઇનાથી કરન્સી પેપરની ડીલેવરી અન્યના નામે મેળવતો હતો.
મળતી માહિતી મુજબ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મુકેશ ઠુમ્મર હોવાનું સામે આવ્યું છે. આ ગેંગ દ્વારા અગાઉ લગભગ પાંચ લાખથી વધુની નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી હોવાની હકીકત બહાર આવી છે. નકલી નોટ છાપવા માટે ચીનથી ખાસ પેપર મંગાવવામાં આવતા હતા અને તેના માટે પ્રદીપ જોટાગીયાએ ચીનની મુલાકાત લીધી હોવાનો પણ ખુલાસો પણ થયો છે. બીજી તરફ સુરતના કામરેજ નજીક ધોરણ પારડી ખાતે આવેલો આશ્રમ યોગગુરૂ પ્રદિપ સાથે સંકળાયેલો છે, અને સ્થાનિક લોકોનો એવો પણ આક્ષેપ છે કે, આ આશ્રમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલે છે. જેને પગલે ગ્રામજનોએ પણ આ આશ્રમ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે જો આશ્રમ ગેરકાયદેસર રીતે ઉભો થયો હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવા માંગણી ઊભી થઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલમાં બનાવટી ચલણી નોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ આશ્રમ અને બનાવટી ચલણી નોટ વચ્ચે કોઈ સંબંધો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે આવનાર દિવસોમાં આ મામલે હજુ મોટા ખુલાસા થવાની સંભાવના જણાય છે.