છેલ્લા ઘણા વખતથી ‘ફાસ્ટ ફેશન’ શબ્દ ચલણમાં આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘સસ્તામાં તૈયાર થયેલાં અને એવા જ દરે વેચાતાં વસ્ત્રો, જે અદ્યતન શૈલીનાં વસ્ત્રોની નકલ જેવાં હોય છે અને પ્રવર્તમાન પ્રવાહ સાથે તાલ મિલાવવા માટે તે દુકાનોમાં ઝડપભેર અને જથ્થાબંધ ઠાલવવામાં આવે છે. નામ મુજબ તેમાં ડિઝાઈન, ઉત્પાદન, વિતરણ અને વેચાણ – બધું જ ઝડપી હોય છે. આશય એ કે છૂટક વ્યાપારીઓ વધુ પ્રમાણમાં વૈવિધ્યવાળા વસ્ત્રો મોટા જથ્થામાં ખરીદે અને ગ્રાહકો સસ્તી કિંમતે વધુ ફેશનેબલ તેમજ વૈવિધ્યયુક્ત વસ્ત્રો ખરીદી શકે.
‘ફાસ્ટ ફેશન’ શબ્દ 1990ના દાયકામાં અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ‘ઝારા’ નામની બ્રાન્ડના આરંભ ટાણે ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ અખબાર દ્વારા ચલણી બનાવાયો હતો. ડિઝાઈનના તબક્કાથી સ્ટોર સુધી ફક્ત પંદર દિવસમાં વસ્ત્રને પહોંચાડવાના ‘ઝારા’ના મિશન માટે આ શબ્દ વપરાયો હતો. આજે વિશ્વભરમાં ‘ઝારા’, ‘ફોરએવર 21’, ‘એચ એન્ડ એમ’, ‘યુનિક્લો’ જેવી બ્રાન્ડ ‘ફાસ્ટ ફેશન’ ક્ષેત્રે અગ્રણી ગણાય છે, જે ભારતમાં પણ કાર્યરત છે. ભારતમાં ‘ઝુડિઓ’ સહિત અનેક બ્રાન્ડ ઝડપભેર લોકપ્રિય બની રહી છે.
હકીકત એવી છે કે ખિસ્સાને પરવડતી આ શૈલી પર્યાવરણ માટે ભારે હાનિકારક છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક અહેવાલ અનુસાર વિશ્વના સૌથી મોટા પ્રદૂષકોમાં આ ઉદ્યોગ ત્રીજા ક્રમે સ્થાન પામે છે. જળ પ્રદૂષણથી લઈને કાપડનો કચરો, ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન જેવી તેની વિવિધ અસરો છે. પ્રતિ વર્ષ તે 14,100 કરોડ ઘન મીટર પાણીનો વપરાશ કરે છે અને વૈશ્વિક કાર્બન ફૂટપ્રિન્ટમાં દસ ટકા હિસ્સો તેનો હોય છે. સ્વાભાવિક છે કે આ કારણે આ ઉદ્યોગ વિશેષ ચિંતાનું કારણ બન્યો હોય!
ડિસેમ્બર, 2023માં દુબઈમાં ભરાયેલી 28 મી યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઑફ ધ પાર્ટિઝ એટલે કે ‘સી.ઓ.પી. 28’માં પહેલ-વહેલી વખત આ ઉદ્યોગમાં વપરાશમાં લેવાતા અશ્મિજન્ય ઈંધણના ઉપયોગને દૂર કરવા વિશે વાત થઈ. આ સભાના આરંભે ‘સસ્ટેનેબલ’ (ટકાઉ) ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ટેલા મેકાર્ટની તેમ જ આ ક્ષેત્રના અન્ય ફેશન અગ્રણીઓને આ ઉદ્યોગનાં આગામી પેઢીના ઉકેલ દર્શાવવા માટે નિમંત્રવામાં આવ્યાં.
સામાન્ય છાપ એવી હોય છે કે પ્રદૂષણ ફેલાવવા માટે રાસાયણિક કંપનીઓ જવાબદાર હોય છે. કપડાં જેવી ‘નિર્દોષ’ ચીજ બનાવવામાં શું પ્રદૂષણ થાય? આ ગેરમાન્યતા દૂર કરવા માટે કેટલાંક તથ્યો જાણવા જેવાં છે. ફેશન ઉદ્યોગ હવાઈ અને દરિયાઈ મુસાફરી કરતાં વધુ પ્રમાણમાં વાયુઓનું ઉત્સર્જન કરે છે. થોડા ઉપયોગ પછી ઝડપી નિકાલ થવાને કારણે આમાં રિસાયકલીંગ શક્ય બનતું નથી. આને કારણે પચાસેક હજાર કરોડ ડૉલરની કિંમતનો જંગી કચરો પેદા થાય છે. આમ તો, આના માટે ગ્રાહકો જવાબદાર હોય છે, પણ દુકાનદારો સુદ્ધાં ન વેચાયેલાં કપડાંને ફેંકી કે બાળી નાખે છે.
કપડાં થકી માઈક્રોપ્લાસ્ટિકનો મોટો જથ્થો પેદા થાય છે, કેમ કે, તે હવે નાયલોન કે પોલિએસ્ટરનાં બને છે, જે ટકાઉ પણ છે અને સસ્તાં પણ. પ્રત્યેક વાર તેને ધોતાં અને સૂકવતાં અસંખ્ય સૂક્ષ્મ તાંતણાં તેમાંથી છૂટા પડે છે, જે છેવટે જળમાર્ગમાં જઈને ભળે છે. અંદાજ મુજબ પાંચેક લાખ ટન તાંતણાં પ્રતિ વર્ષ સમુદ્રમાં પહોંચે છે. બીજી અનેક આવી વિગતો છે, જે સરવાળે ફાસ્ટ ફેશનની વિરુદ્ધમાં જાય છે. આનો કોઈ ઉપાય ખરો? વ્યક્તિગત સ્તરે આનો ઉપાય કરી શકાય ખરો, પણ એકલ-દોકલ જણ કરે તો એનો ખાસ અર્થ સરતો નથી. કેમ કે, હવે સમગ્રતયા નાણાં બેફામપણે ખર્ચવાનું પ્રમાણ એ હદે વધ્યું છે કે તેને નિયંત્રણમાં લાવવું લગભગ અશક્ય જણાય છે.
એટલે વ્યક્તિગત સ્તરે પ્રયત્ન ઉપરાંત નીતિગત સ્તરે એ ઉપાય અમલી બને એ જરૂરી છે. જે વિપુલ પ્રમાણમાં ઊર્જાનો વપરાશ આ ઉદ્યોગમાં થાય છે, એ જોતાં તેમાં પુન:પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધતો જાય એ ઈચ્છનીય છે, કેમ કે, ઊર્જાનું આ સ્વરૂપ સ્વચ્છ છે. ઊર્જાનો કરકસરયુક્ત ઉપયોગ કરે એવાં યંત્રોનો ઉપયોગ વધે એ જરૂરી છે. ઊર્જાનો વપરાશ ઘટાડે, ઉત્સર્જન ઘટાડે અને ઉત્પાદકતા તેમ જ ગુણવત્તાને વધારે એવાં યંત્રોના ઉપયોગને પ્રોત્સાહન મળે એવી નીતિ આવશ્યક છે. આના માટે સૌર ઊર્જાનો વિકલ્પ સૌથી સક્ષમ ગણાય છે. એ જ રીતે પવન ઊર્જા પણ ગણાવી શકાય.
આ વિગતો પરથી ખ્યાલ આવશે કે આપણે જેને ‘ફેશનેબલ’ અને ‘ખિસ્સાને પરવડે એવું’ ગણીને ખરીદી લઈએ છીએ એ હકીકતમાં પર્યાવરણ પર કેટલી વિપરીત અસર કરે છે. ઉદ્યોગગૃહોની નજર નફા પર હોય એ સમજાય એવું છે, પણ તેની પાછળની દોટ પર્યાવરણને કેટલી નુકસાનકારક બની રહે છે, એ કદાચ જાણવા છતાં તેઓ એને અપનાવી શકતા નથી. પર્યાવરણ અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનો ભરાય અને તેમાં ઉચ્ચસ્તરીય ચર્ચાઓ ભલે થતી રહે, સ્થાનિક સ્તરે એ માટેનાં પગલાં લેવાય એવી સંભાવના ઓછી લાગે છે. અર્થતંત્રને ઊંચે લઈ જાય એવી નીતિઓ સામે પર્યાવરણ માટે ખતરારૂપ હોય એવી નીતિઓ ખાસ કારગર નીવડી શકતી નથી. કદાચ તે બનાવવામાં આવે તો પણ છેવટે એ કાગળ પર રહે એમ બનતું હોય છે. એટલે ઉત્પાદકના સ્તરે તેમ જ ઉપભોક્તાના સ્તરે એમ બન્ને તરફી પગલાં લેવાય તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે. ત્યાં સુધી પર્યાવરણને જે નુકસાન થવાનું હશે એ થઈ ગયું હશે એ ચોક્કસ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.