સોનાની મૂરત ગણાયેલા સુરતમાં સદીઓથી દેશ પરદેશનાં લોકો રોજીરોટી માટે આવે છે પણ છેલ્લાં 60 વર્ષથી આ પ્રમાણ અત્યંત વધી ગયું છે. એક અંદાજ પ્રમાણે સુરતમાં જુદાં જુદાં વાહનો મારફતે રોજ હજારથી પંદરસો લોકો રોજી રોટી માટે ઠલવાય છે અને તેમાં પડોશી દેશોમાંથી ભિખારાઓ અને લુંટારા પણ આવે છે અને જેમ ફાવે તેમ ધંધો વેપાર કરી રોજી કમાય છે પણ તેને પગલે શહેરની સુવિધાઓ વધવાને બદલે સતત ટાંચ પડે છે.
સીમાડાઓ વિસ્તારવા એ ઉપાય નથી.ગ્રાહક ત્યાં બજાર અને બજાર ત્યાં ગ્રાહક એ અર્થશાસ્ત્રનો નિયમ છે અને સુરત જેવા શહેરમાં કોટની અંદરના વિસ્તારમાં ગીચતા અને રસ્તા રોકાણ વધે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પણ સમસ્યા પેદા થાય છે તે હમણાં આપણે તાજેતરમાં જોયું. સુરત શહેર ભારતીય જનતા પક્ષના પ્રમુખએ જે રજૂઆત કરી તે હકીકતમાં એની જરૂર પડવી ન જોઈતી હતી પણ પાકી દુકાન લઈને બેઠેલા વેપારીઓની ફેરિયાઓ પાસેથી પણ કમાવાની લાલસા અને કોર્પોરેટરોની ઈરાદાપૂર્વકની પણ હોઈ શકે તેવી ઉદાસીનતા સમસ્યાનો પહાડ બનાવી ગઈ છે.
બજાર અને રહેણાંક વિસ્તાર ભેગા હોય તેવા દાખલા સુરતમાં અજોડ નથી. ઘણાં બધાં શહેરોમાં આ પરિસ્થિતિ હોય છે પણ નાગરિકોની સુવિધા જાળવવાની જેની જવાબદારી છે એ બેદરકાર નથી બનતા. શહેર ભાજપ પ્રમુખે જે રજૂઆત કરી તે અવારનવાર થઈ છે પણ બહેરા કાને અથડાય છે?! હજી મોડું થયું નથી. એક તરફ કટ્ટરપંથીઓના ઉધામા વધતા જાય છે. કાયદો અને વ્યવસ્થાની સમસ્યા પેદા થાય છે ત્યારે શહેરનું હિત જેના હૈયે છે તેમણે ગુનાહિત આળસ ખંખેરી નાખી અવાજને બુલંદ બનાવવાની કામગીરી કરવી જ પડશે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દિલ બળે ત્યાં ધૂમાડાં નથી હોતા
આજકાલ સવારના પ્હોરમાં વર્તમાનપત્ર હાથમાં લેતા હાર્ટ એટેકની ઘટનાઓ વાંચવા મળે છે. અડાજણ ખાતે અમારી પ્રમુખદર્શન સોસાયટીના ‘સી’બ્લોકમાં એક યુવાન જીમમાં કસરત કરી ઘરે આવ્યો. તરત જ બેચેની લાગવા માંડી. એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ જતા ડોક્ટરે ‘કશું જ નથી’ કહી પુન: ઘરે રવાના કરી દીધા. ઉધનામાં એક યુવાનને ચાલતાં ચાલતાં હાર્ટ એટેક આવ્યો. યોગ તંદુરસ્તી સુધારવા કે સ્થિર રાખવા માટે કરવામાં આવે. કપોદ્રા વિસ્તારમાં એક યુવાન યોગ કરતા ભોગ બન્યો. ચાલૂ બાઈકે એટેક! એથી પણ વિશેષ ઘરમાં સોફા પર બેઠાં બેઠાં સુધ્ધા એટેક આવે! કપડાં સીવડાવવા ગયેલ ગ્રાહકને દરજીની દુકાનમાં ભરખી ગયો. ગુજરાતભરમાંથી ક્રિકેટ તથા અન્ય પ્રવૃત્તી કરતાં સાજા-સમા માણસો યુવાનો હાર્ટએટેકના ભોગ શીદ બનતા હશે? શંકાની સોય રહેણી-કરણી-ખાણી પીણી પર ટંકાય છે. પણ આ એક અદભુત આશ્ચર્ય તાજેતરમાં વર્તાય છે. કુટુંબ નીરાધાર બને. દિલ બળે.
સુરત – કુમુદભાઈ બક્ષી- – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.