વિતેલા વર્ષે ChatGPT પાસેથી યુઝર્સે કન્ટેન્ટ રાઈટિંગ, આર્ટિકલ, પોસ્ટ માટે કેપ્શન્સ, કોડિંગ, બિઝનેસ આઈડિયા વગેરે કામ કરાવ્યાં. અમુક બાબતોમાં તો યુઝર્સની પહેલી પસંદ જ ChatGPT હોવાથી એ ભરોસેમંદ AI ટૂલ તરીકે ઊભર્યું. AIથી વીડિયો બનાવી શકાય તે માટે ChatGPTએ ઈનવીડિયોનું નવું ટૂલ આપ્યું. ChatGPT બનાવનારી કંપની ઓપન AIએ ChatGPT અટલસ, સર્ચજીપીટી, ChatGPT ડીપ રીસર્ચ સહિતનાં ટૂલ્સ પણ લોંચ કર્યાં. ChatGPTના ઈમેજ જનરેટર ટૂલના કારણે તો ગ્લોબલી ઈમેજ મેકિંગના ટ્રેન્ડ્સ સેટ થયા. આ વર્ષે ChatGPTએ એવા ફીચર્સ એડ કર્યા કે જેની મદદથી ChatGPTને વધારે એજેન્ટિક બનાવી શકાય એટલે કે તમારે કોઈ વિશેષ આવડતની જરૂર હોય, તમારા કામમાં એમાં ChatGPT વધારે મદદ કરે એવું ઈચ્છો તો અમુક ફેરફાર કરીને એજન્ટ ક્રિએટ કરી શકાય. ઓનલાઈન ઓર્ડર્સ કરવાથી લઈને કોઈ ચીજની અપોઈન્ટમેન્ટ લેવી કે ફોર્મ ભરવા સુધીનાં કામો ChatGPT એજન્ટ પાસે કરાવવાનું વધ્યું. દુનિયાભરના AI ક્રિએટર્સ અને ડેવલપર્સ માટે જનરેટિવ AI એપ્સ બનાવવા અને પ્રોટોટાઈપ બનાવવામાં આ સ્ટુડિયો ખૂબ ઉપયોગી સાબિત થયો.

સોરાની વીડિયો એડિટિંગની સર્વિસ
ઓપનAIનું સોરા ટેક્સ્ટ ટુ વીડિયો મોડલ છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકોમાં સોરા એટલું લોકપ્રિય થયું કે શોર્ટ વીડિયો બનાવવામાં એનો ઉપયોગ છૂટથી થયો. તમને ગમતી કોઈ સેલિબ્રિટીનો ફોટો રેફરન્સ મેળવીને તમે એની સાથે વીડિયો બનાવી શકો. એ સેલિબ્રિટી તમારા વખાણ કરતા હોય એવું એની પાસે બોલાવી શકો. આ બધી ખાસિયતોના કારણે સોરા ખૂબ પોપ્યુલર AI ટૂલ બન્યું. જો કે 2025માં રીલિઝ થયેલું સોરા-૨ વર્ઝન ભારત સહિતના ઘણા દેશોમાં ઉપલબ્ધ બન્યું ન હોવાથી યુઝર્સ એનો ઉપયોગ કરી શકતા નથી, છતાં એનો ક્રેઝ વર્ષના અંતે ખૂબ જોવા મળ્યો હતો. ક્રિસમસના વીડિયો ક્રિએટ કરવામાં પણ સોરા-૨ ખૂબ વપરાયું હતું.
ગૂગલ જેમિનાઈએ ChatGPTને બરાબર ટક્કર આપી
મોબાઈલમાંથી જેમિનાઈનો એક્સેસ ખૂબ સરળ હોવાથી યુઝર્સ એના તરફ વળ્યા. જેમિનાઈ AI ફોટો – એક્સ પ્લેટફોર્મ અને ઈન્સ્ટાગ્રામમાં જે ફોટો ટ્રેન્ડ થયા એમાંથી અડધા તો જેમિનાઈ AI ફોટો ટૂલમાં બનેલા હતા. પોસ્ટર્સ, કાર્ટૂન, પ્રોફેશનલ પોટ્રેટ, એનિમેટેડ ફોટો વગેરે બનાવવામાં જેમિનાઈનું કામ સૌથી વધુ વખણાયું. થીમ અને ઓટો સજેશન્સ, સ્ટાઈલ વગેરે કેટલાય વિકલ્પો આ ટૂલમાં મળે છે. ફોટોશોપ વગર પ્રો એડિટિંગ માત્ર સરળ પ્રોમ્પ્ટ આપીને કરી શકાતું હોવાથી યુઝર્સે આ ટૂલ પાસેથી વધુ કામ લીધું. ઓફિસના કર્મચારીઓને તેમના પ્રોફેશનલ કામમાં ફ્લો AIની ઘણી મદદ મળી. ફ્લો પણ ગૂગલનું જ છે. ગૂગલે ઓફિસના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ AI ટૂલ બનાવ્યું છે. આ AI ટૂલ કામને ઓટો ઓર્ગેનાઈઝ્ડ, ઓટો ડ્રાફ્ટ, ઓટો ઓપ્ટિમાઈઝ કરે છે. વીતેલા વર્ષે AIના ટોપ-10 ટ્રેન્ડમાં ફ્લોનો સમાવેશ થતો હતો ફ્લોથી સેંકડો કર્મચારીઓનું ઓફિસનું કામ આસાન બન્યું છે. પ્રોડક્ટિવિટી માટે આ ટૂલ ગેમચેન્જર સાબિત થયું.
ગ્રોક અને પરપ્લેક્સિટીના રિસર્ચ કરવાનું કામ સરળ બન્યું
ગ્રોક ઈમેજ, ઓડિયો, વીડિયોનું નરેશન કરી શકે છે. ગ્રોકમાં મલ્ટિમોડલ ફંકશન્સ સપોર્ટ કરે છે અને એ તેને વિશેષ બનાવે છે. ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું અને એને એક્સ નામ આપ્યું એ પછી ગ્રોક પર કામ શરૂ થયું હતું. શરૂઆતમાં ગ્રોકને એક્સ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યું હતું, પછીથી અલગ રીતે પણ એનો ઉપયોગ થાય એ રીતે સ્વતંત્ર ટૂલ બનાવ્યું છે. એજ્યુકેશન અને ડિજિટલ કન્ટેન્ટ બનાવવામાં ગ્રોકનો ઉપયોગ વધારે થયો. કોઈ સવાલ પૂછયા પછી રસપ્રદ અને બૌદ્ધિક જવાબો આપવામાં ગ્રોકની કુશળતા છે તેથી એક્સ યુઝર્સમાં એનો ઉપયોગ આ વર્ષે સતત વધ્યો. એ જ રીતે પરપ્લેક્સિટીને સ્માર્ટ ગૂગલિંગ કહેવાય છે કારણ કે પરપ્લેક્સિટી લાર્જ લેંગ્વેજ મોડલ આધારિત સવાલનો જવાબ આપે છે. દરરોજ દુનિયાભરમાંથી પરપ્લેક્સિટીને ૩ કરોડ સવાલો પૂછવામાં આવે છે. તમે કલ્પના કરો કે તેની લોકપ્રિયતા કેટલી વધતી જાય છે.
ડેટાની પરવા કર્યા વગર લોકોએ ડીપસીક એપ ડાઉનલોડ કરી
ચાઈનીઝ AI એપ ડીપસીકે આ વર્ષે ભારે ચર્ચા જગાવી. આ ટૂલ ૨૦૨૫માં એકાએક ઓપનAIના ચેટબોટ ChatGPTને પાછળ રાખીને ગૂગલ પ્લે સ્ટોરમાં ટોપ રેટેડ ફ્રી એપ બની ગઈ. કરોડો યુઝર્સ વધ્યા. ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરવાની તેની ક્ષમતા અજોડ સાબિત થઈ. કોડિંગ, રિસર્ચ અને આઈડિયા જનરેટ કરવામાં પણ તેની ઝડપ અન્ય તમામ AI ટૂલથી ઝડપી રહી. ચીનની કંપનીની એપ હોવાથી ડેટા ચોરીનો ખતરો રહેશે એવી નિષ્ણાતોની ચેતવણીની પરવા કર્યા વગર કરોડો યુઝર્સે આ વર્ષે ડીપસીક પર ભરોસો કર્યો. ચીન ઉપરાંત અમેરિકા, બ્રિટન અને ભારતમાં તેના સૌથી વધુ યુઝર્સ વધ્યા. •