નડિયાદ: અષાઢ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમા….આ દિવસે ગુરૂપૂજનનું વિશેષ મહત્વ હોવાથી મંદિરો, ગુરૂગાદી તેમજ આશ્રમોમાં ગુરૂપૂજન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ જામે છે. બીજી બાજુ શાળા-કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પોતાના ગુરૂ એટલે કે શિક્ષકોનું પુજન કરી આ ખાસ દિવસની ઉજવણી કરતાં હોય છે. બુધવારે અષાઢ સુદ પુનમના પાવન પર્વે આણં- ખેડા જિલ્લાના નડિયાદ, ડાકોર, વડતાલ, સારસા, બોચાસણ સહિત વિવિધ ગામ-શહેરોમાં ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં બુધવારના રોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. વહેલી સવારે મંદિર ખુલતાની સાથે શરૂ થયેલો ભક્તોનો અવિરત પ્રવાહ મોડી સાંજે મંદિર બંધ થતાં સુધી સતત ચાલુ રહ્યો હતો. ‘‘જય રણછોડ…..માખણ ચોર’’ ના જયનાદથી મંદિર પરિસર સહિત નગરના માર્ગો ગુંજી ઉઠ્યાં હતાં. સમગ્ર દિવસ દરમિયાન લાખો શ્રધ્ધાળુઓએ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તદુપરાંત ડાકોરમાં આવેલ દંડીસ્વામી આશ્રમ સહિતની ૧૫ જેટલી ગુરૂગાદીઓ પર પણ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.
વડતાલ : શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમા મહિમા કથા યોજાઈ
નડિયાદ તાલુકાના વડતાલ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ.પૂ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો હરિભક્તોની ઉપસ્થીતી વચ્ચે મંદિરના સભામંડપમાં કિર્તન આરાધના તથા શાસ્રી સત્સંગભૂષણ સ્વામીના વકતાપદે ગુરૂપૂર્ણિમા મહિમા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂપૂર્ણિમાના શુભદિને મંદિરમાં શણગાર આરતી બાદ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું હતું. ગુરૂપૂર્ણિમાના પવિત્રદિને શિક્ષાપત્રી, શિક્ષાપત્રી ગુટકો તથા કિર્તન આરાધના પુસ્તકોનું આચાર્ય મહારાજશ્રી તથા સંતોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ઉપસ્થિત હરિભકતોને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, શ્રીહરિની આજ્ઞા અને ઉપાસનામાં રહેવું. વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખનાર ભકત કયારેય દુઃખી થતો નથી.
ખેડા તાલુકા ભાજપ સંગઠન દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
ખેડા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે રઢુ, નાયકા, વારસંગ ખાતે ગાદીપતિ ગુરૂના આશીર્વાદ મેળવ્યાં હતાં. તેમજ પાદૂકા પૂજન કરી ગુરુદેવો ભવ: નો મંત્ર સાર્થક કર્યો હતો. આ પ્રસંગે ખેડા તાલુકા ભાજપ પ્રમુખ હેમેન્દ્રસિંહ જાદવ, ખેડા તાલુકા પંચાયત પ્રમુખ, ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ શંભુભાઈ બારૈયા, નાયકા સરપંચ ગોપાલભાઇ, મહામંત્રી પ્રવિણસિંહ રાઠોડ, ઉપપ્રમુખ વિશાલભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ નરેશભાઈ ગોહીલ, યુવા મોરચા મંત્રી ગુરૂ પટેલ, ધવલ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.