આણંદ: વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડની ગુરૂવારના રોજ 24મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં શેરધારકોને સર્વાધિક 15 ટકા ડિવિડન્ડ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે મંડળી દ્વારા ગ્રીન હાઈડ્રોજન પ્રોડકશનના ક્ષેત્રમાં ઝંપલાવવાના આયોજન તરફ આગળ વધવાની અને વર્ષ 2022-23માં મંડળી દ્વારા રૂ.257.02 કરોડનું ટર્નઓવર થયાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટર્નઓવર ગત વર્ષની સરખામણીમાં 44.70 ટકાનો વધારો દર્શાવે છે.
ચરોતર ગેસ સહકારી મંડળી લી. દ્વારા ચેરમેન ધર્મેન્દ્રભાઈ જે. પટેલ અને સક્રિય બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સહયોગથી કાર્યપધ્ધતિમાં થોડા ફેરફાર કરી કામકાજને અસર ન થાય તે રીતે ખર્ચામાં કાપ મુકીને મંડળીને આર્થિક સંકટમાંથી બહાર લાવવામાં સફળતા મેળવી છે. જેના પરિણામે ગત વર્ષે રૂ.3.26 કરોડની ખોટ કરનારી મંડળીએ 22.90 કરોડનો જંગમ નફો કર્યો છે. મંડળીની સાધારણ સભા ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. સભામાં મેનેજિંગ ડિરેક્ટર વી.એમ. પટેલ, જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર જયેશભાઈ પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચરોતર ગેસ સહકારી મંડળી લી. એશિયાની પ્રથમ અને એકમાત્ર સહકારી ધોરણે ગેસ પુરવઠો પુરી પાડતી સહકારી સંસ્થા છે.
મંડળીની સ્થાપનાથી લઇને અત્યાર સુધીમાં અનેક ઉતાર ચઢાવ વચ્ચેથી પસાર થઇ છે. એમાંય છેલ્લા બે વર્ષમાં કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષે ગેસની ઉભી થયેલી અછતના પગલે મંડળી માટે કેટલાક પડકારો ઉભા થયાં હતાં. જેના કારણે મંડળીને આર્થિક રીતે નુકશાન વેઠવું પડ્યું હતું. આ પરિસ્થિતિમાં સૌના સાથ સહકારથી કાર્યપધ્ધતિમાં ફેરફાર કરવા સાથે ખર્ચમાં કાપ મુકીને મંડળીને આર્થિક સંકટમાંથી બહાર લાવવામાં સફળ રહ્યાં છીએ. આ સભાનું સંચાલન રમેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું.
8 ડોટર સ્ટેશનનું ટર્નઓવર 61.77 કરોડ થયું
ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચરોતર ગેસના કાર્યક્ષેત્રમાં ગુજરાત ગેસ દ્વારા 8 સીએનજી ડોક્ટર સ્ટેશન ચલાવવામાં આવતાં હતાં. જે પીએનજીઆરબી અને ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદા પ્રમાણે બંધ કરતાં ચરોતર ગેસને ફાયદો થયો છે. ચાલુ વર્ષે કુલ 8 ડોટર સ્ટેશનનું ટર્નઓવર રૂ.61.77 કરોડ થયું છે. મંડળીને નુકશાનમાંથી બહાર કરીને નફો થયો છે. જે ડોટર સ્ટેશનના સંચાલકોના સહકારથી શક્ય બન્યું છે.