Charchapatra

શું રથ યાત્રા યોજવી યોગ્ય છે?

અમદાવાદમાં આગામી રથયાત્રા યોજાવાની પૂરી શકયતાઓ છે. એવું વર્તમાનપત્રોના અહેવાલ ઉપરથી લાગી રહયું છે! પણ આમ કરવું યોગ્ય હશે? રથયાત્રા યોજવાથી એક સ્ટેડીયમમાં ક્રિકેટ મેચ જોવા પ્રેક્ષકો એકઠા થાય એજ પરિસ્થિતિનું સર્જન થશે જે કોરોનાને ખુલ્લું આમંત્રણ હશે! રથયાત્રામાં જે માનવ મેદની ઉમટશે તેમાં કોરોનાની ગાઇડલાઇનનો અમલ થશે? અને કોણ કરાવશે? હમણાં જ કોરોનાની બીજી લહેરમાંથી માંડ માંડ કળ વળી છે અને કેસો ઘટી ગયા છે ત્યારે આ પ્રકારની જાહેર રથયાત્રા કાઢવી યોગ્ય લાગતી નથી! હાલ લગ્નમાં 50 વ્યકિત અને સ્મશાનયાત્રામાં 20 વ્યકિતની મંજુરી છે. વળી મંદિરો સહિત બીજી જગાએ પણ 50 ટકાની ક્ષમતાની મંજુરી છે ત્યારે રથયાત્રા કેટલી યોગ્ય હશે? શું ગત વર્ષની જેમ જ મંદિરના પ્રાંગણમાં જ રથ ના ફેરવી શકાય? ભકતોને એના લાઇવ દર્શન ના કરાવી શકાય? કોરોનાની બીજી લહેરમાં અગણિત મૃત્યુ થયા. કેટલાય કુટુંબો નામશેષ થઇ ગયા. બાળકો નોધારા થઇ ગયા ત્યારે આ પ્રકારની રથયાત્રા યોજી ફરીથી આજ વસ્તુનું પુનરાવર્તન કરવું છે? આશા છે ગુજરાત સરકાર જનતાના વિશાળ હિતને ધ્યાને રાખી રથયાત્રા માટે યોગ્ય અને ઉચિત નિર્ણય લેશે!!
સુરત -ભાર્ગવ પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top