ગીત – સંગીત સૌને ગમે. ગાવું ગમે તે ગીત. ગીત – ગુંજન મનને આનંદથી તરબતર કરી દે છે. જો કે જાહેરમાં ગીત રજૂ કરવાના અમોલ આશીર્વાદ સૌ કોઈને મળતા નથી. આવડત અને ગુરુ સંગ ગીતની સાધના કરવી પડે. ગીત લખી શકે તે સારું ગાન પણ કરી શકે, એવું બધા કિસ્સામાં બનતું નથી. જે કવિ ગીત પણ લખે અને સારું ગાય ત્યારે તો ભાવકોને જલસો પડી જાય. આપણને મોટેભાગે બાથરૂમમાં ફિલ્મી ગીતો ગાવાનું ગમતું હોય છે. કારણ ત્યાં કોઈનું બંધન નડતું નથી. હા, ક્યારેક ઘરના સદસ્યો કહે, ‘રાગડા તાણવાનું બંધ કર.’ ગાનારને ત્યારે પણ ગીત જ ગમે, ફિલ્મી ગીત તો ખાસ ગમે. સવારમાં કોઈ ગીત – ગઝલ, ગરબો કે અન્ય કોઈ રચના સાંભળવામાં આવી હોય એ આખો દિવસ મનમાં રમતી રહે છે. કોઈ પણ પ્રયત્ન વિના અનાયસે મુખ પર આવ્યા કરે. સાંભળનાર કહે, ‘આજે તો બહુ ખુશ દેખાય છે ને.’ આ અનુભવમાંથી સૌને પસાર થવાનું બને જ છે.
આ બાબતે એક સરસ અવતરણ વાંચવા મળ્યું. તે મુજબ, ‘રોજ પ્રભાતે એક સુવિચારનું ચિત્તમાં સ્વાગત કરીએ, કોઈ કાવ્યપંક્તિઓનું અંતરમાં ગુંજન કરીએ અને એક હળવો ટુચકો જરીક માણી લઈએ તો તેમાં 5 મિનિટ લાગે, પણ એનો આંનદ આખો દિવસ મમળાવી શકાય. ક્યારેક દિવસો સુધી.’(આજ્ઞાત) દક્ષિણ ગુજરાતનું અગ્રિમ અને લોકપ્રિય દૈનિક ગુજરાતમિત્રની કોલમ ‘ચાર્જીગ પોઈન્ટ’માં આ જ પ્રકારનું વિશેષ વાંચન પીરસવામાં આવે છે. હેતા ભૂષણને અભિનંદન, વંદન. મોર્નિંગ મહેફિલ સાથેનું એ ગુંજન દિવસે, દિવસો સુધી યાદગાર બને છે. શાળાઓ અને છાત્રાલયમાં આ વિચારોનું વાંચન સવારની પ્રાર્થનાસભા, સાંજની પ્રાર્થનાસભામાં કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં હકારાત્મકતા આવશે. જાગૃત શિક્ષકો એ બાબતે પહેલ કરે એ સમયની માંગ છે. જય હો. શુભ સવાર…
નવસારી. કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આઘાત લાગતાં મૃત્યુ
નાનકડા ગામમાં દારૂની કંઇ નવાઈ નહીં. વળી ત્યાં કોઈ ગાંધી અવતારી પુરુષ કે, ગાંધીવાદી રહે પણ નહીં ! પાત્રનું કાલ્પનિક નામ છે ! ગામમાં ‘રાજીયો’ તેના અંગત વ્યસનને કારણે તેની માતા દ્વારા ખૂબ બદનામ થયેલ પણ એ બદ નહોતો! ‘ રાજીયા ‘ ને બદનામ કરવામાં તેની જનેતાનો મોટો હાથ અને ભાગ હતો.ગામની પાદર ઉપર સમી સંધ્યાએ બધા ચોતરે છાંટો પાણી અને મહેફિલ કરે તેમ ‘રાજીયો’ પણ રોજ સાંજે કેફમાં રહે, પરંતુ તેની વિધવા મા આખા ગામમાં વિધવા રુદન કરતી ફરે અને રોજબરોજનો માનસિક ત્રાસ દીકરાને પહોંચાડે,જેમ કે, ‘રાજીયો’ રોજ પીને આવે છે જેને પગલે ગામવાસીઓ મા ની હરકતો ‘રાજીયા’ને કહેતા, જેથી તેની સામાજિક બદનામી ઔર વધી પડતા એ દારૂની લતમાં પીવાની માત્રા વધારતો ગયો,છેવટે મૃત્યુ પામતા! તબીબી પરીક્ષણમાં માલુમ પડ્યું કે, ‘રાજીયો’ દારૂના નશા યા સેવનઘી નથી મર્યો, પણ પોતાની મા ના માનસિક ત્રાસ અને સામાજિક બદનામીને લીધે આઘાત પામતાં મૃત્યુ પામ્યો છે !
( સત્ય ઘટના આધારિત )
સુરત – સુનીલ રા.બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.