પારડી: ગુજરાત રાજ્યનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસ માટેનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે ત્રણ મહિના પહેલા કચ્છ પછી દ્વારકા ત્યારબાદ ગીર સોમનાથમાં ચરસના પેકેટો દરિયા કાંઠેથી બિનવારસી મળી આવ્યા હતા. ત્યારે આ સિલસિલો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામે દરિયા કિનારેથી બિનવાસી આંતરાષ્ટિય બજાર કિ. રૂપિયા 5 કરોડ 87 લાખનો ચરસનો જથ્થો ગતરોજ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે પ્રથમ વાર મળી આવ્યો હતો. જેને લઈ પોલીસ દ્રારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
- પારડી પોલીસ તેમજ જિલ્લા SOGની ટીમ દોડતી થઈ, 11800 ગ્રામ ચરસનો જથ્થો કબ્જે કર્યો
- FSLની ટીમે નમૂના લઇ લેબમાં મોકલી આપી જિલ્લાના તમામ દરિયા કિનારે પોલીસ દ્વારા સર્ચ ચાલુ કરાયું
રાજ્યમાં અલગ અલગ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં પોલીસ દ્રારા ડ્રગ્સ અને ચરસનો જથ્થો પડકી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા બાદ વલસાડના પારડી તાલુકાના ઉદવાડા ગામે દરિયા કાંઠે બિનવારસી કથિત 11 કિલો 800 ગ્રામ ચરસના પેકેટ મળી આવતા પારડી પોલીસ અને વલસાડ sogની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઉદવાડા ગામના દરિયા કિનારે બિનવાસી કિં.રૂપિયા 5.87 કરોડનો ચરસનો જથ્થો મળતા પોલીસ દ્રારા ચરસનો જથ્થો કબજે લઇ તપાસ શરૂ કરી હતી. મળેલા ચરસના જથ્થા પર ઉર્દુ ભાષામાં નાર્કો કિંગ ચિતરેલું હતું. વલસાડ જિલ્લાના 70 કિલોમીટરથી વધુ લાંબા દરિયા કિનારા ઉપર આવતા તમામ પોલીસ સ્ટેશનો જિલ્લા પોલીસ દ્રારા એલર્ટ કરી દેવાયા છે, સાથે દરિયા કિનારાના તમામ વિસ્તારમાં પોલીસ દ્રારા અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તો દરિયા કિનારે વસતા તમામ લોકો અને માછીમારોની પોલીસ દ્રારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દરિયા કિનારાની તમામ ગતિ વિધિઓ પર પોલીસ દ્રારા નજર રાખવામાં આવી રહી છે. તો બીજી બાજુ પોલીસ દ્રારા દરિયા કિનારાના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.