Columns

શ્રેષ્ઠ વ્યક્તિનાં લક્ષણ

એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘શિષ્યો, આજે આખા દિવસમાં મને સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ ગોતીને લાવી આપો.’શિષ્યો ગોતવા નીકળી પડ્યા. થોડી વારમાં કોઈ ગામના મુખીને લઈને  …કોઈ નગર શેઠને લઇને..કોઈ ગામના મંદિરના પુજારીને લાવ્યું.એક શિષ્ય ગામના નવા બનાવેલા સરકારી દવાખાનાના ડોક્ટરને લઇ આવ્યો તો બીજો ગામના શિક્ષકને….ગુરુજી બધાને મળ્યા અને શિષ્યોએ તેઓ શ્રેષ્ઠ કેમ છે તે પણ જણાવ્યું.ગુરુજીએ કહ્યું, ‘આ બધા કોઈ ને કોઈ ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે, સમાજના શ્રેષ્ઠીઓ છે પણ હજી કોઈ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ તમે લાવ્યા નથી.’

આ સાંભળી બધા એકબીજાનાં મોઢાં જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું?  ત્યાં એક શિષ્ય આવ્યો. તેની સાથે ત્રણ જણ હતા. એક હતો ગામનો સૌથી ગરીબ ખેડૂત…શિષ્યે તેને આગળ કરતાં કહ્યું, ‘ગુરુજી, આ આપણા ગામનો સૌથી ગરીબ ખેડૂત છે.ગામમાં છેલ્લાં બે વર્ષથી પૂરતો વરસાદ પડ્યો નથી, છતાં આ ખેડૂત તડકો છાંયો જોયા વિના ખેતરમાં કામ કરતો રહે છે.દુષ્કાળ જેવી વિપત્તિમાં પણ તે ધીરજ રાખીને પોતાની મહેનત કરે છે.અટક્યા વિના કામ કરે છે. વિપત્તિમાં ધૈર્ય રાખવું અને પોતાની મહેનત ચાલુ જ રાખવી આ શ્રેષ્ઠ વ્યક્તિનું લક્ષણ છે એટલે આ ગરીબ ખેડૂત શ્રેષ્ઠ છે. ગુરુજી બોલ્યા, ‘ખરી વાત છે, આ ધૈર્યવાન ખેડૂત શ્રેષ્ઠ વ્યક્તિ છે.’

શિષ્યે પોતાની સાથે લાવેલ બીજી વ્યક્તિનો પરિચય આપતાં કહ્યું, ‘ગુરુજી, આ આપના ગામના નગરશેઠનો સૌથી નાનો પુત્ર છે.શ્રીમંતોના યુવાન દીકરાઓ મૂક પશુઓના શિકાર કરવાનો શોખ ધરાવતા હોય છે, જ્યારે મેં આ યુવાનને ગામના એક ઘાયલ કૂતરાના ઘા સાફ કરી જાતે દવા લગાવતો હતો.ગુરુજી, આ કામ તે કોઈ નોકરને પણ કરવાનું કહી શક્યો હોત અને તો પણ સારી જ વાત હતી, પણ ભરપૂર વૈભવ વચ્ચે મનમાં મૂક ઘાયલ પશુ પ્રત્યે દયા ભાવના અને જાતે તેની સેવા કરવી એ શ્રેષ્ઠ વ્યક્તિનું લક્ષણ છે એટલે આ શ્રીમંત યુવાન શ્રેષ્ઠ છે.’ ગુરુજી બોલ્યા, ‘બરાબર, આ ત્રીજી વ્યક્તિ કોણ છે?’

શિષ્યે કહ્યું, ‘ગુરુજી, આ મુસાફર છે જંગલમાંથી પસાર થતાં અંધારું થવા આવ્યું અને આ મુસાફરને ઠોકર વાગતાં તે અવાવરુ કૂવામાં પડી ગયો, પણ તેણે હાથમાં આવેલા મૂળિયાને આખી રાત પકડી રાખ્યું અને સવાર પડતાં મદદ માટે પોકાર લગાવ્યો અને ગામલોકોએ બચાવી લીધો.ગુરુજી, સંકટ સમયે હાર્યા વિના આખી રાત તે લટકતો રહ્યો, હિંમત અને સહનશીલતા રાખી તો બચી ગયો. ગુરુજી સંકટ સમયે હિંમત અને સહનશીલતા રાખવી એ શ્રેષ્ઠ વ્યક્તિનાં લક્ષણ છે.એટલે આ મુસાફર શ્રેષ્ઠ છે.’ ગુરુજી બોલ્યા, ‘બરાબર પરખ છે તારી…વિપત્તિમાં ધૈર્ય …વૈભવમાં દયા અને સંકટમાં હિંમત અને સહનશીલતા જ શ્રેષ્ઠ વ્યક્તિનાં લક્ષણ છે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top