આણંદ : ખંભાત તાલુકાના કલમસર ગામે પાન મસાલો ન આપવા જેવી નજીવી બાબતે યુવક પર હુમલો કરી, ઉપરા છાપરી ચપ્પાના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલમસર ગામે રહેતાં અરવિંદ સિંધા છુટક મજુરીકામ તેમજ ટ્રક પર ક્લીનર તરીકે કામ કરે છે. તેમના પત્ની છેલ્લા એકાદ વર્ષથી પિયર રહે છે. દરમિયાનમાં 10મી જાન્યુઆરી,22ના રાત્રિના સાડા અગીયાર વાગે અરવિંદ મેલડી માતાના મંદિર વાળા રસ્તેથી ઘર તરફ જતો હતો તે દરમિયાન અજય ઉર્ફે ભોટીયો દોલતસિંહ સિંધાએ તેને રોકી પાન મસાલો માંગ્યો હતો. જોકે, અરવિંદ પાસે પાન મસાલો નહીં હોવાથી તેણે ના પાડતાં અજય ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દો બોલી હુમલો કર્યો હતો.
જેમાં અજયે ચપ્પુ કાઢી અરવિંદને હાથે, ગળામાં ઉપરા છાપરી ઘા ઝીંકી દીધાં હતાં. અચાનક થયેલા આ હુમલામાં અરવિંદે બુમાબુમ કરતાં આસપાસમાં રહેતા દિલાવર ઉર્ફે દિલીપ નટુ ઉર્ફે હસુ સિંધા, રાજુ નટુ ઉર્ફે હસુ સિંધા, નટુ ઉર્ફે હસુ સોમા સિંધા દોડી આવ્યાં હતાં. જોકે, તેઓએ અજય ઉર્ફે ભોટીયાનું ઉપરાણુ લઇ અરવિંદને લાકડીથી મારમાર્યો હતો. બાદમાં ચારેય શખસ અરવિંદને લોહી લુહાણ હાલતમાં ઉંચકીને મેલડી માતાના મંદિરે મુકી ગયાં હતાં. જ્યાંથી સવારે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગુલાબસિંહ સિંધાની ફરિયાદ આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે અજય ઉર્ફે ભોટીયો, દિલાવર ઉર્ફે દિલીપ, રાજુ નટુ સિંધા અને નટુ ઉર્ફે હસુ સોમા સિંધા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.