સુરતઃ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓનો સમય અને ઈંધણ વધારે વેડફાતું હોય રિક્ષા ચાલકો દ્વારા મુસાફર ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાડાના વધારાને લઈને પાંડેસરા વિસ્તારમાં મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું છે. મહિલાઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી દીધો હતો. તેના પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
મહિલાઓએ માંગ કરી છે કે, જે રીતે રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું છે. તે જોતા અમારો પગાર પણ વધારવો જોઈએ. સાથે જ ટ્રાફિક સિગ્નલ પર જે રીતે સમય વધારે છે. તેને પણ ઘટાડવો જોઈએ. જેથી રીક્ષા ચાલકો પણ પોતાનું ભાડું ઘટાડી શકે. બધા લોકોનો સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેમા પણ ઘટાડો થાય.
એક મહિલાએ કહ્યું કે, ટૂંકા દરના ભાડામાં પણ ખૂબ વધારો થયો છે. અમારી ત્રણ મુખ્ય માંગો છે. રિક્ષાના ભાડા ઘટાડવામાં આવે, અમારો પગાર વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય છે. તેને પણ ઘટાડવામાં આવે. આજે અમે 150થી વધુ મહિલાઓએ અહીં હલ્લાબોલ કર્યો હતો. જો કે પોલીસે આવીને મામલો શાંત કરાવ્યો હતો. પરંતુ અમારી માંગણીઓ તો યથાવત જ રહેશે.
શું છે મામલો?
પાંડેસરામાં આજે રિક્ષાચાલકો દ્વારા રિક્ષાના ભાડામાં એકાએક પાંચ રૂપિયાનો વધારો કરી દેવાતા પેસેન્જર અને રિક્ષાચાલકો વચ્ચે બબાલ થઈ હતી. મુસાફરોએ રિક્ષાચાલકોને કહ્યું કે, જો તમે ભાડામાં રૂ.5નો વધારો કરો છો તો રિક્ષામાં વધુ મુસાફરોને બેસાડશો નહીં. અગાઉના ભાડામાં 7 મુસાફરોને રિક્ષામાં બેસાડતા હતાં. પેસેન્જર દીઠ ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવે તો રિક્ષામાં માત્ર ત્રણ મુસાફરો જ બેસાડવાની માંગણી નિયમિત મુસાફરોએ કરી હતી. બીજી તરફ રિક્ષા ચાલકોએ દલીલ કરી હતી કે, સીએનજીના ભાવ બે વખત વધી ગયા છે. સીએનજીમાં પાંચ રૂપિયા વધારે ખર્ચાઈ રહ્યાં છે, તેથી અમે ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.