તમને યાદ હશે કે દૂરદર્શન પર પહેલાં રામાયણ અને મહાભારત સિરિયલ આવતી હતી. આ સિરિયલથી પ્રેરિત થઈ માતા-પિતા પોતાના બાળકોને કૃષ્ણ અને રામની વેશભૂષામાં ફોટો સ્ટુડિયોમાં લઇ જઇ ફોટો પડાવતા. જે માત્ર બાળક ઇનવોલ્વ થતું. પણ હવે ફોટોગ્રાફીનો આ ટ્રેન્ડ બદલાયો છે હવે માત્ર બાળક નહીં પૂરો પરિવાર શામિલ થાય છે. અને હવે રિયાલિસ્ટિક ફોટોગ્રાફીનીનો ટ્રેન્ડ જોવા મળી રહયો છે. જેમાં બધું જ વાસ્તવિક દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.અત્યારે સુરતમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પણ હવે આ વર્ષે છેલ્લાં બે વર્ષની કસર પુરી કરવા લોકોએ કમર કસી લીધી છે. જન્માષ્ટમીને લઈને ફોટોગ્રાફીનો પહેલાં અને અત્યારે કેવો ટ્રેન્ડ રહ્યાો છે તે સુરતના ફોટોગ્રાફરો પાસેથી ચાલો આપણે જાણીએ..
મોબાઈલમાં ફોટો પાડી શકાતા ફોટો સ્ટુડિયોનો ક્રેઝ ઘટયો: બીના કાથાવાલા
ફોટોગ્રાફર બીનાબેન કાથાવાલા કહે છે કે હવે તો મોબાઈલ ફોનના જમાનામાં લોકો પોતેજ ફોટોગ્રાફર બની ગયા છે. બાળકને કૃષ્ણના વસ્ત્ર પહેરાવી મોબાઈલ ફોનમાં ફોટો પાડી લેવાના ટ્રેન્ડને કારણે ફોટો સ્ટુડિયો સુધી જનારા લોકો ગણ્યા-ગાંઠયા છે. પહેલાં જન્માષ્ટમીમાં માતા-પિતા બાળક માટે કૃષ્ણનો ડ્રેસ ભાડેથી લાવી બાળકને કૃષ્ણના ગેટઅપમાં ફોટો સ્ટુડિયોમાં લઈ આવતા ત્યારે લાઇન લાગતી. પણ હવે મોબાઈલ ફોનમાં ફોટો કેપ્ચર કરવાની સુવિધા હોવાથી ફોટો સ્ટુડિયોનો ક્રેઝ ઘટયો છે. ફોટો સ્ટુડિયોમાં બાળકને માત્ર કૃષ્ણના પહેરવેશમાં લઈ આવો બાદ વાંસળી, માટલી, મોર પીંછ ડિજિટલી ક્રિએટ કરી ફોટોમાં એડીટીંગ કરી શકાય. મોબાઈલ ફોન કરતા પ્રોફેશનલ ફોટોગ્રાફીનું રિઝલ્ટ સારું આવતું હોય છે.
લાઈવ બેકગ્રાઉન્ડમાં ફોટોગ્રાફીનો નવો ટ્રેન્ડ: ચૈતાલી પરમાર
વેસુમાં ફોટો સ્ટુડિયો ધરાવતા ચૈતાલીબેન પરમારે જણાવ્યું કે પહેલાં બાળકને કૃષ્ણ બનાવીને માતા-પિતા ફોટો સ્ટુડિયોમાં લઈ આવતાં અને પ્લેન બેકગ્રાઉન્ડમાં ફોટો પડાવતાં. પછીથી ડિજિટલ એડીટીંગના ક્રિએટિવ ફોટોમાં બાળકના ફોટોમાં વાંસળી ક્રિએટ કરીને મૂકી દેવી કે માથા પર મુકુટ મૂકી દેવી, માખણની માટી ક્રિએટ કરીને મુકવી એ રીતની ફોટોગ્રાફી થતી. પણ હવે લાઈવ બેકગ્રાઉન્ડ અને આઉટડોર ફોટોગ્રાફીનો ટ્રેન્ડ જોવા મળે છે. જેમાં રિયલ મટકી, રિયલ વાંસળી, ફલાવર, ફરનું કાપડ આ બધુજ ફોટો સ્ટુડિયોમાં અવેલેબલ રાખવામાં આવે છે. આમ લાઈવ બેકગ્રાઉન્ડ ક્રિએટ કરી ફોટોગ્રાફી કરાય છે. હવે તો પ્રિન્ટેડ રેડીમેડ બેકગ્રાઉન્ડ પણ મળે છે જે ફોટો સ્ટુડિયોવાળા લઈ આવે છે. કેનવાસ પર પણ આ રીતનું બેકગ્રાઉન્ડ તૈયાર કરાય છે. તેમાં બેકગ્રાઉન્ડમાં જંગલ થીમ, ટ્રાવેલ થીમ, કાર્ટૂન કેરેક્ટર હોય છે. આ ઉપરાંત આઉટડોર ફોટોગ્રાફીનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. તેમાં વિવિધ લોકેશન પર જઈને રિયાલિસ્ટિક ફોટોગ્રાફી કરાવાય છે. જેમાં ગોકુળ જેવો માહોલ બહારની જગ્યા પર ક્રિએટ કરી બાળકને ક્રિષ્નની જેમ તૈયાર કરી ફોટોગ્રાફી કરાવવા તરફ પણ સુરતીઓ વળ્યાં છે.
બાળક કૃષ્ણ તો માતા યશોદા અને પિતા વાસુદેવ બની ફોટોગ્રાફી કરાવે છે: ચિરાગ સાલી
પહેલાં જન્માષ્ટમીમાં માત્ર બાળકને જ કૃષ્ણ બનાવી ફોટોગ્રાફી માત્ર બાળક પૂરતી મર્યાદિત રાખવામાં આવતી. હવે આખો પરિવાર ઇનવોલ્વ થાય છે. માતા જશોદા તો પિતા ના નંદ પરિવારના અન્ય સદસ્ય ગોપીઓ, રાધા બનીને જન્માષ્ટમીની ફોટોગ્રાફી કરાવવાનો પણ ટ્રેન્ડ છેલ્લાં કેટલાંક સમય થી જોવા મળી રહ્યો છે. ફોટોગ્રાફર ચિરાગ સાલી જણાવે છે કે બે ફ્રેન્ડ હોય તો એક કૃષ્ણ અને એક યશોદાનો ડ્રેસઅપ કરીને યાદગીરી રૂપ ફોટોગ્રાફી કરાવે છે. લોકો જન્માષ્ટમી ઉત્સવ ઘરે મનાવે છે ત્યારે આખો પરિવાર ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ઘરે ફોટોગ્રાફી કરાવે છે અથવા ટ્રેડિશનલ ડ્રેસઅપમાં ફોટો સ્ટુડિયોમાં આવીને પણ ફોટોગ્રાફી કરાવે છે.