Charchapatra

સમાજની બદલાતી પરિભાષા

અચાનક જ સામાજિક વ્યવહારોની પ્રક્રિયામાં બદલાવ ખૂબ ઝડપથી આવી ગયો. સ્વથી સમિષ્ટ તરફથી ગતિ પાછી સમિષ્ટથી સ્વ તરફની દેખાય રહી છે. સંયુકત કુટુંબોનું વિભકત થવું, સરેરાશ આવકમાં વધારો શું શ્રેષ્ઠ નહીં પરંતુ હું જ શ્રેષ્ઠનો અભિગમ, અરે જીવી લો આપણી જીંદગી કાલની વાત કાલે! મોબાઇલમાં એક જ બટન કલીક કરો અને અનેકાનેક સેવાઓનો ઘરબેઠાં લાભ મેળવો.  અસલ, લગ્નપ્રસંગોમાં મહાલવાની મજા, ઉત્સાહ જ કંઇક ઓર! સરસ કપડાં પહેરીને બધાં સગાંસંબંધીઓને ઓળખવાની તક. આ બધું અચાનક કયાંક ખોવાઇ ગયું અને હવે નજરોની સામે જોવા મળતો એક અનેરો, સ્વતંત્ર મિજાજી, મુકત રીતે વિહરનારો નવો સમાજ જયાં પ્રસંગોમાં આમંત્રણ તો મળે અને એ પણ આપવા પડે એટલે આપ્યા હોય!

અસલ સાજનમાજનનો જે વટ અને આજે એ જ સાજનમાજન વ્યવહાર કરે, પ્રોફેશનલ કેટરીંગની અગાઉથી જ નકકી કરેલાં વ્યંજનોની ડીશ સામે માંગીને ખાઇ લે. (બુફે ડીનરની બોલબાલા) અને યજમાનનો વ્યવહાર તમે આવ્યા તો ઠીક ન આવ્યા તો ય ઠીક કપડાં, ડાન્સ, ફોટોગ્રાફી તરફ જ માત્ર ધ્યાન કેન્દ્રિત. હવે વૈચારિક ઉંડાણમાં જઇએ તો એક વાત ખાસ બહાર આવે કે જે પેઢી 60 થી 80 ના વર્ષમાં જન્મીને તે પેઢીને જાતે જ સંઘર્ષ કરીને આગળ  આવવાની જે મનમાં એક ખોટ હતી તે હવે એમ વિચારે છે કે મારી પેઢીને હું હવે કોઇ તકફીલ નહીં પડવા દઉં.

આમ જરૂરી સંસ્કારોનું જે પેઢી દર પેઢીમાં સિંચન થવું જોઇએ એનાથી થઇ શકયું. પોતાના સંતાનોને બધી જ સુખસુવિધા પૂરી પાડી એટલે આજે એ પરિસ્થિતિ ઊભી થઇ કે સંઘર્ષ વગર મળેલ સુવિધા, વિભકત કુટુંબોમાં રહેવાનો અભિગમ અને તેમાં બધાં પ્રકારની સ્વતંત્રતા, સ્ત્રીઓના સશકિતકરણ એટલે ઘરકામની સ્વતંત્રતા. સતત અવ્વલ અને સ્પર્ધામાં જ રહેવાની ધૂન શહેરમાં અનેકાનેક, વિવિધ અને ઘરે બેઠાં પૂરી થતી ખાણીપીણીની વસ્તુઓની સુવિધા, એક સ્થળેથી બીજાં સ્થળે જવું હોય તો દરેક ઘરમાં ગાડીઓની સુવિધા. આમ સુવિધાઓના જ વાતાવરણમાં ઉછરેલી નવી પેઢી એવી માનસિકતામાં છે કે મારે હવે કોઇની જરૂર નથી. માનવીય સંબંધોની બદલાતી પરિભાષા કેવા સમાજનું નિર્માણ કરશે? તેની ઝલક તો આપણે સહુ જોઇ જ રહ્યા છીએ.
સુરત     -સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top