Editorial

ચંદ્રયાન-3નું લેન્ડિંગથી ભારત સ્પેસ રેસમાં મહાસત્તાઓથી પણ આગળ નીકળી ગયું

ચંદ્રયાન-3ના ચંદ્રની સપાટીની દક્ષિણ ધ્રુવ સફળતાપૂર્વક લેન્ડિંગ સાથે ભારતે વિશ્વમાં નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ચંદ્ર પર અત્યાર સુધીમાં ભારત, ચીન અને અમેરિકા, એમ ત્રણ જ દેશ સફળતાપૂર્વક લેન્ડિંગ કરી શક્યા છે પરંતુ દક્ષિણ ધ્રુવ પર હજુ સુધી કોઈ જ દેશ પહોંચી શક્યો નહોતો. ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્ર પર અત્યાર સુધીમાં પહોંચેલા દેશ ચંદ્રનો હજુ સુધી જોઈએ તેવો લાભ લઈ શક્યા નથી પરંતુ ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાથે ભારત વિશ્વમાં સ્પેસ રેસમાં ઘણું આગળ નીકળી ગયું છે.

ખુદ નાસાએ ભારતની સંસ્થા ઈસરોને અભિનંદન આપવા પડ્યા છે. ભારતે અત્યાર સુધી ચંદ્ર પર પહોંચવા માટે કરેલું રોકાણ ફળ્યું છે અને દક્ષિણ ધ્રુવનો જો લાભ ભારત લઈ શકશે તો તે ભારત માટે અનેકરીતે લાભદાયી બની રહેશે. ચંદ્રની રચનાને સમજવાની સાથે આખા સૌરમંડળને સમજવામાં પણ ભારતને મોટી મદદ મળી રહેશે. ભારતની સૌથી નજીક જો કોઈ ગ્રહ હોય તો તે ચંદ્ર છે અને ચંદ્રયાન-3ના ઉતરાણ સાથે ભારત સંશોધન માટે પણ તેનો મોટો લાભ લઈ શકે તેમ છે. વિશ્વના તમામ દેશો હાલમાં એકમાત્ર પૃથ્વીને જ સારી રીતે ઓળખે છે. જ્યારે બ્રહ્માંડ તેમની સમજની બહાર છે. બ્રહ્માંડને સમજવા માટે અવકાશ મિશન જરૂરી છે અને ચંદ્ર પર એક વખત પગદંડો જમાવી દેવાય તો આગામી સમયમાં આખા બ્રહ્માંડને સમજવામાં પણ મદદ મળી શકે છે.

ચંદ્રને પ્લેટફોર્મ બનાવીને બ્રહ્માંડને સમજી શકાશે. એવું માનવામાં આવે છે કે ચંદ્ર પર મૂલ્યવાન ખનીજો છે. જો સંશોધનમાં આ સાબિત થાય તો તે ખનીજો ભારતને વિશ્વની મહાસત્તા બનાવી શકે તેમ છે. ભવિષ્યમાં ચંદ્ર પર જ અવકાશ મથકો સ્થાપી શકાશે. આ અવકાશ મથકો સ્થાપીને ભારત વિશ્વને પોતાની તાકાત બતાવી શકે તેમ છે. ભારત આના દ્વારા રોકેટ લોન્ચિંગ, સ્પેસ ટેકનોલોજીથી માંડીને અન્ય વિવિધ દિશાઓમાં સારી રીતે કામ કરી શકે છે. ચંદ્રયાન-3ને ભારતે વિદેશી સહાય વિના તૈયાર કર્યું છે ત્યારે ભારત એ પણ બતાવી શકે તેમ છે કે, ભારતના અવકાશ મિશન માટે વિદેશી સહાયની જરૂરીયાત નથી.

જે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3એ ઉતરાણ કર્યું છે તે દક્ષિણ ધ્રુવના અનેક વિસ્તારોમાં સૂર્યપ્રકાશ પહોંચતો જ નથી. કારણ કે આ ક્ષેત્ર પૃથ્વીની સામે છે. ચંદ્રના અન્ય પ્રદેશો માત્ર 1.5 ડિગ્રી જ નમેલા છે. જ્યારે દક્ષિણ ધ્રુવની ધરી પૃથ્વીની સૌર ભ્રમણકક્ષાના સમતલ તરફ 23.5 ડિગ્રી વળેલી છે. આને કારણે ચંદ્રના દક્ષિણ ધ્રુવના નજીકના અનેક ખાડાઓ એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. આ વિસ્તારોને કાયમી પડછાયાવાળા તરીકે ઓળખવામાં આવે છે. 2019માં નાસાએ એવું જણાવ્યું હતું કે, આ પડછાયાવાળા વિસ્તારોમાં પાણી લાંબા સમય સુધી રહી શકે છે. જેને કારણે આ વિસ્તારોમાં પાણી મળી શકે તેમ છે. ચંદ્રની કેટલીક સપાટી એટલી ઠંડી છે કે સપાટી પરનું પાણી સ્થિર રહી શકે છે. જો ચંદ્ર પર પાણી મળશે તો આગામી દિવસોમાં ચંદ્ર પર માનવ વસાહત પણ વસાવી શકાશે.

પૃથ્વી પર જે જે દેશોમાં ખનિજ સંપત્તિ મળી છે તે તે દેશ આર્થિક રીતે મહાસત્તા બની ગયા છે. ક્રુડ ઓઈલ મળવાને કારણે ગલ્ફના દેશો અબજો ડોલરમાં રમતા થઈ ગયા. જો ચંદ્ર પર ક્રુડ ઓઈલ, યુરેનિયમ કે પછી એવા ખનિજનો જથ્થો મળે કે જેની કિંમત ખૂબ ઉંચી હોય તો તે ભારત માટે આર્થિક રીતે મોટી છલાંગ મારવાનો અવસર બની રહે તેમ છે. ચંદ્ર પર જે દેશ પહેલી માનવવસાહત સ્થાપશે તે તેનો મહત્તમ લાભ ઉઠાવી શકશે. અત્યાર સુધી ઉત્તર ધ્રુવ પર જ તમામ ચંદ્રયાને ઉતરાણ કર્યું છે ત્યારે દક્ષિણ ધ્રુવ પર ભારતના ચંદ્રયાન-3ના ઉતરાણે ભારતને વિશ્વમાં મહાસત્તા બનાવવા માટે નવા સંજોગોનું જ નિર્માણ કર્યું છે. ભારતના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3ને ચંદ્રની ધરતી પર ઉતારીને એક મુકામ મેળવી લીધું છે. હવે ચંદ્રયાન પોતાની કેવી કામગીરી બજાવે છે તેની પર માત્ર ભારત જ નહીં પણ આખા વિશ્વની નજર રહેવાની છે. ચંદ્રયાન શું શોધી લાવે છે? તે તો આગામી સમયમાં ખબર પડશે પણ હાલમાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ઉતારીને પોતાનો સિક્કો જમાવી દીધો છે તે નક્કી છે.

Most Popular

To Top