National

કેન્દ્રમાં એકલા હાથે મોદી સરકાર બનાવવી મુશ્કેલ: આ નેતા બનશે કિંગમેકર, અમિત શાહે કર્યો ફોન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 400 પાર બેઠકો સાથે જીતનું સપનું સાકાર થતું દેખાઈ રહ્યું નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. 240 સીટ પર ભાજપ આગળ છે. સરકાર બનાવવા 272 સીટ પર સ્પષ્ટ બહુમતી આવશ્યક હતી. એનડીએ પણ 300 પાર પહોંચી શક્યું નથી.

આવા સંજોગોમાં કેન્દ્રમાં મોદી સરકાર બનાવવા માટે ભાજપે સાથી પક્ષોની જરૂર પડશે. તેથી સંપૂર્ણ પરિણામ જાહેર થાય તે પહેલાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે સાથી પક્ષોના નેતાઓને ફોન કરવા માંડ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
આવતીકાલે દિલ્હીમાં એનડીએની બેઠક બોલાવવામાં આવી છે. ત્યારે આજે પરિણામ પહેલાં અમિત શાહે ચંદ્રાબાબુ નાયડુ અને જીતનરામ માંઝીને ફોન કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. એનડીએની બેઠકમાં જીતન રામ માંઝીને બોલાવવામાં આવ્યા છે

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પરિણામ જાહેર થાય તે પહેલાં એનડીએના સંયોજક બનવા માટે ટીડીપીના ચંદ્રાબાબુને ફોન કરી વાત કરી છે. ટીડીપી એનડીએમાં ભાજપનો સાથી છે. ભાજપને બહુમતી ન મળે તો તે ઈચ્છે છે કે એનડીએ ગઠબંધનમાં સામેલ પક્ષો તેમનો સાથ આપે. કારણ કે જો ટીડીપી વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં જોડાય તો ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ બની જશે.

એક રીતે ચંદ્રાબાબુ નાયડુ અને બિહારના નિતીશ કુમાર ફરી એકવાર કી પોઝિશન પર આવી ગયા છે. અગાઉ અટલ બિહારી વાજપેયીના યુગમાં આ બંને એનડીએ સરકારમાં હતાં. હવે ફરી એકવાર તેઓ સત્તાના કેન્દ્રમાં આવી ગયા છે. નાયડુનો પક્ષ ટીડીપી આ વખતે લોકસભાની 17 બેઠક પર ચૂંટણી લડ્યા તે પૈકી 16 પર આગળ છે.

જો જેડીયુ 14 બેઠક જીતે છે તો અંદાજે 254 બેઠક ધરાવતી પાર્ટી 275ના દાવા સાથે સરકાર બનાવી શકશે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વ વાળી શિવસેના પણ 7 સીટો જીતે તેમ લાગે છે. એક વાત સ્પષ્ટ છે કે હાલના ટ્રેન્ડ જોતા ભાજપ એકલા હાથે કેન્દ્રમાં સરકાર બનાવી શકશે નહીં. આ સમીકરણો જોતા એનડીએની સરકારે તેના આગામી કાર્યકાળ દરમિયાન નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર નિર્ભર રહેવું પડશે તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top