ગાંધીનગર-સુરત: ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 6 દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી વરસાદની આગાહી કરાઈ છે. દરમિયાન આજે રાજ્યના 16 જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યાના બીજે દિવસે નબળુ પડ્યું છે. તેમ છતાં દક્ષિણ ગુજરાતમાં આગામી 6 દિવસ છુટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. બુધવારે મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. જેથી લોકોને દિવસે કાળઝાળ ગરમીથી રાહત મળી છે. જોકે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્યો છે. તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ અસહ્ય ઉકળાટમાં લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે.
આગામી બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારે હવામાન વિભાગે સુરત, અમરેલી, વલસાડ, ડાંગ, ભાવનગર, નવસારી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બે દિવસથી જિલ્લામાં ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. બુધવારે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 65 ટકા ભેજની સાથે 10 કિમીની ઝડપે દક્ષિણ પશ્ચિમનો પવન ફુંકાયો હતો.
દરમિયાન આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત આગામી 5 દિવસ પણ વરસાદની આગાહી છે.
આવતીકાલે 14 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. આ ઉપરાંત 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. તેમજ 16 જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ રહેશે. જ્યારે 17 જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ રહેશે. તેમજ 18 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથ વરસાદ રહેશે.
વલસાડમાં સવારથી વરસાદ
સાત દિવસના વરસાદી માહોલ બાદ આજે વલસાડમાં તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 દરમિયાન વલસાડ તાલુકામાં 16 MM વરસાદ નોંધાયો હતો. વલસાડની શાકભાજી માર્કેટ અને APMCમાં કેરીના વેપારીઓ કેરી બચાવવા માટે પ્લાસ્ટિક અને તાંડપત્રી વડે કેરી અને શાકભાજી બચાવવા દોડધામ કરવી પડી હતી.
11 જૂનથી રાજ્યમાં વરસાદી માહોલ
રાજ્યમાં દર વર્ષે 15 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જૂનથી રાજ્યના આકાશમાં વાદળો છવાયા છે. જોકે, તે વરસી રહ્યાં નથી. રાજ્યના કેટલાંક જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે, પરંતુ મોટા ભાગનું રાજ્ય હજુ પણ કોરું છે. અમરેલીમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. ત્યારે આજે ગુરુવારે તા. 13 જૂનના રોજ રાજ્યના 16થી વધુ જિલ્લામાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણથી લઈ મધ્યગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે.