આચાર્ય ચાણક્ય પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થતા હતા.ચાલતાં ચાલતાં આચાર્યના પગમાં કાંટો વાગ્યો.આચાર્યને પીડા થઈ. તેમણે નીચા નમી કાંટો કાઢી નાખ્યો.પણ તેમણે જોયું જમીન પર ઠેકઠેકાણે આવા નાના નાના કાંટા વેરાયેલા પડ્યા હતા.આચાર્ય ચાણક્યે પોતાના શિષ્યોને કહ્યું કે આ બધા કાંટા વાળીને સાફ કરી નાખો અને પોતે પણ કાંટા સાફ કરવા લાગ્યા. શિષ્યોએ કાંટા વાળીને એક ખૂણામાં ભેગા કર્યા.આચાર્યે કહ્યું, ‘જુઓ, બરાબર વાળીને સાફ કર્યું છે કોઈ કાંટો રહી જવો જોઈએ નહિ.’ અને પછી તેમણે બધા કાંટા જ્યાં ભેગા કર્યા હતા ત્યાં સૂકા પાંદડા મૂકી કાંટા બાળી નાખ્યા અને પછી આમતેમ નજર મારી જોયું કે અહીં આટલા કાંટા કયાંથી આવ્યા હતા.બરાબર અવલોકન કરતાં તેમણે જોયું, બે કંટાળા ઝાડ કેડીની આજુબાજુ ઊગ્યા હતા.આચાર્ય ચાણક્યે આજુબાજુ નજર ફેરવી અને પછી તે ઝાડ પર નિશાન કર્યા અને તેની આજુબાજુ કુંડાળું દોરી શિષ્યોને થોડું ખોદવા કહ્યું અને પછી તેમાં કોઈ રસાયણ નાખી દીધું.
શિષ્યોને કંઈ સમજ ન પડી. તેમને થયું, ગુરુજીના પગમાં એક કાંટો વાગ્યો તેમાં આટલું બધું શું કરવાનું? ચાલો, કાંટા કેડી પરથી વાળી લેવાનું સમજાય કે બીજાને ન વાગે.પણ બધા કાંટા બાળી નાખવા અને આ ઝાડના મૂળમાં પણ રસાયણ નાખી તેનો જડમૂળથી નાશ કરવાનું કારણ શું?’આચાર્ય ચાણક્ય તેમના મનોભાવ કળી ગયા હોય તેમ બોલ્યા, ‘શિષ્યો, જુઓ, આ મેં જે કંઈ કર્યું તેમાં બે શીખ છે. એક જે કંઈ પણ વસ્તુ તમને નુકસાન પહોંચાડે તેના મૂળ કારણને ઝીણવટથી શોધી તેનો જડમૂળથી નાશ કરવો, જેથી તે વસ્તુ તમને કે અન્યને ફરીથી બીજી વાર નુકસાન ન પહોંચાડી શકે અને બીજી વધુ સમજવા જેવી વાત છે કે કોઈ પણ વ્યક્તિને સૌથી વધુ નુકસાન તેની અંદર રહેલા અવગુણો અને દુર્ગુણો જ પહોંચાડી શકે છે એટલે જયારે જયારે આવા કોઈ અવગુણને કારણે પહેલો નુકસાનીભર્યો અનુભવ થાય ત્યારે જ તરત બધું છોડી આત્મચિંતન અને મનન કરી ઝીણવટથી તે અવગુણ શોધવો, તેનું મૂળ કારણ શોધવું અને ધ્યાન, નિયમ, મક્કમ નિશ્ચયના રસાયણથી તે અવગુણનો મૂળમાંથી જ નાશ કરવો.જો તેમ નહિ કરો તો તે અવગુણની જડ તમારા મન અને મગજમાં મજબૂત થતી જશે અને તે તમને વારંવાર નુકસાન પહોંચાડતી રહેશે.માટે સજાગ રહી તેનો નાશ કરવો, તેની પકડમાંથી છૂટવું ખૂબ જ જરૂરી છે.’ આચાર્ય ચાણક્યે શિષ્યોને જીવનની મહત્ત્વની સમજ આપી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.