Sports

Champions Trophy: ભારત સામે પાકિસ્તાન ઝૂક્યું, હાઇબ્રિડ મોડલને આખરે મળી મંજૂરી

ઘણા મહિનાઓથી જેની રાહ જોવાતી હતી તે ક્ષણ આખરે આવી પહોંચી. આગામી વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન દ્વારા થવાનું છે, જેના માટે ભારતીય ટીમે પાકિસ્તાનની ધરતી પર પગ મૂકવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી BCCI અને PCB વચ્ચે ઘણા મહિનાઓ સુધી ખેંચતાણ ચાલી હતી અને હવે આખરે બંને બોર્ડ હાઇબ્રિડ મોડલ પર સહમત થયા છે. ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને સત્તાવાર જાહેરાત કરી છે. ICC અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં અને એક ન્યૂટ્રલ વેલ્યુ પર રમાશે.

ICCએ માહિતી આપી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જો કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો કયા દેશમાં અને કયા સ્થળે રમશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે પરંતુ સ્થળો અંગેની અનિશ્ચિતતાને કારણે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. નોંધનીય છે કે આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે, તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

ICC બોર્ડે ગુરુવારે 19 ડિસેમ્બરે પુષ્ટિ કરી હતી કે 2024-2027 દરમિયાન કોઈપણ દેશ દ્વારા આયોજિત ICC ઇવેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાનની મેચો તટસ્થ સ્થળે રમાશે. આ નિયમ હવે આગામી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (પાકિસ્તાન દ્વારા યજમાન) પર લાગુ થશે જે ફેબ્રુઆરી અને માર્ચ 2025માં રમાશે. તેમજ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 (ભારત દ્વારા યજમાન) અને ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 (ભારત અને શ્રીલંકા દ્વારા યજમાન) પણ લાગુ થશે. એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે PCBને 2028માં ICC મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જ્યાં તટસ્થ સ્થળની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ચાહકો હવે શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે
ICCની સત્તાવાર જાહેરાત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે અને હવે ચાહકો ટૂર્નામેન્ટના શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ક્યારે અને ક્યાં રમાશે. જો કે દુબઈમાં બંને ટીમો વચ્ચે ટક્કર થાય તેવી સંભાવના છે.

Most Popular

To Top