National

Champions Trophy 2025 પર ભારતનો કબજો, ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ આજે 09 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પર કબ્જો કરી લીધો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ ભારતનો સતત બીજો ICC ટુર્નામેન્ટ ખિતાબ છે. આ પહેલા 2024માં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સાથે જ કિવીને હરાવીને ભારતે 25 વર્ષ જૂનો બદલો લીધો હતો.

કેપ્ટન રોહિત શર્માએ 76 અને શુભમન ગિલે 31 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 105 રનની ભાગીદારી પણ થઈ. વિરાટ કોહલી ફક્ત 1 રન બનાવી શક્યો. શ્રેયસ અય્યરે 48 અને લોકેશ રાહુલે 34 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનર અને માઈકલ બ્રેસવેલે 2-2 વિકેટ લીધી. રચિન રવિન્દ્ર અને કાઈલ જેમીસનને 1-1 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 252 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે ભારતે 49 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો.

રોહિતે ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી છે. શુભમન ગિલે 31 રન બનાવી સેન્ટનરની બોલ પર ગ્લેન ફિલિપ્સના હાથે કેચ આઉટ થયો. તે સમયે ટીમનો સ્કોર 105 રન હતો. ભારતે બીજી વિકેટ પણ ખુબજ ઝડપથી ગુમાવી હતી. 19મી ઓવરમાં વિરાટ કોહલી ફક્ત 1 રન બનાવી આઉટ થયો હતો. માઈકલ બ્રેસવેલે તેને એલબીડબલ્યૂ કર્યો હતો. ભારતને 183 રનના સ્કોર પર 39મી ઓવરમાં ચોથો આંચકો લાગ્યો. શ્રેયસ ઐયર અડધી સદી ચૂકી ગયો. તે 62 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન બનાવીને આઉટ થયો હતો.

શ્રેયસ અને અક્ષર વચ્ચે 61 રનની ભાગીદારી થઈ. અક્ષર પટેલ 29 રન બનાવીને આઉટ થયો હતો. ભારતને 203 ના સ્કોર પર પાંચમો ફટકો પડ્યો હતો. માઈકલ બ્રેસવેલે અક્ષર પટેલને વિલિયમ ઓરૂર્કે કેચ કરાવ્યો. તે 40 બોલમાં ફક્ત 29 રન બનાવી શક્યો. ભારતે 42મી ઓવરમાં પોતાની 5મી વિકેટ ગુમાવી દીધી હતી. 47મી ઓવરમાં ભારતની છઠ્ઠી વિકેટ ગઈ હતી. હાર્દિક પંડ્યા 18 બોલમાં 18 રન બનાવી કાઈલ જેમીસનની બોલ પર આઉટ થયો હતો.

આ પહેલા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને સારી શરૂઆત કરી હતી. જોકે 20 ઓવરની અંદર જ ન્યૂઝીલેન્ડની ટીમ લડખડાઈ ગઈ હતી. ટીમ તરફથી ડેરિલ મિશેલે સૌથી વધુ 63 રન બનાવ્યા જ્યારે માઈકલ બ્રેસવેલે 53 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગ્લેન ફિલિપ્સે 34 રન અને માઈકલ બ્રેસવેલે 53 રન બનાવ્યા હતા. રચિન રવિન્દ્ર 37, વિલ યંગ 15 અને કેન વિલિયમસન 11 રન જ બનાવી શક્યા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા અને મો. શમીએ 1-1 વિકેટ મેળવી હતી.

જણાવી દઈએ કે ભારતે આ ટુર્નામેન્ટમાં 5 મેચ રમી અને પાંચેયમાં જીત મેળવી છે. ન્યુઝીલેન્ડએ ટુર્નામેન્ટમાં 5 મેચ રમી જેમાંથી 3 જીતી અને ભારતથી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આમ ભારત સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહ્યું હતું. આ ભારતનો સતત બીજો ICC ટુર્નામેન્ટ ખિતાબ છે. આ પહેલા 2024માં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

Most Popular

To Top