સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે આવેલો ભરત નગરમાં વધુ એક યુવાને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કેક કાપતો વિડીયો વાઇરલ થયો છે જાણે આ પંથકમાં લોકોને પોલીસનો ખૌફ રહ્યો નથી જાહેરમાં બર્થડે પાર્ટી ઉજવી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસો અગાઉ જ એક લિસ્ટેડ બુટલેગરે જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી કોરોના મહામારીની ગાઈડ લાઇનનો ભંગ કર્યો હતો.
જ્યારે બીજી તરફ વરેલીમાં પણ એક યુવાને વ્યક્તિઓ ભેગા કરી જન્મ દિવસની ઉજવણી કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા. જે વાતને હજુ માંડ માંડ 10 થી 12 દિવસો થયા છે ત્યાંતો ચલથાણ ગામે આવેલા ભરત નગરમાં રહેતા યુવાને રાત્રિના સમયે માણસો ભેગા કરી જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરતો વિડીયો વાઇરલ થયો છે. જાહેરમાં બર્થડે કેક કાપવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું ન હતું. સાથે માસ્ક પણ પહેર્યા ન હતા. વારંવાર જાહેરમાં બર્થડે ઉજવણીના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના લોકો પોલીસને હેરાન કરવામાં મજા આવી રહી છે.