મકરસંક્રાન્તિ પૂરી થયાનો કેટલાક નેતાઓને આનંદ હશે ને કેટલાકને દુ:ખ. શું છે કે જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં 15મી જાન્યુઆરીથી સભાઓ યોજાવી શરૂ થઈ છે. મતલબ કે દરેક પક્ષો પોતાના પક્ષોના પોતે મહત્ત્વના ગણે છે એવા નેતાઓને પ્રચારમાં બોલાવશે. ગુજરાતના મંત્રીમંડળમાં ચર્ચા છે કે કોને બોલાવશે? જેને બોલાવશે તેને લાગશે કે તેમની હેસિયત હવે રાષ્ટ્રીયકક્ષાના નેતાની થઈ ગઈ છે ને લોકસભાની ચૂંટણીમાં પ્રમોશન મળી શકે છે. ઘણા નેતાઓ આ માટે પોતાનું હિન્દી સુધારવા પર પણ કામ કરી રહ્યા છે. કહે છે કે સી.આર.પાટીલ, હર્ષ સંઘવીનો નંબર લાગી જશે ને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સંભાળતા બેસી રહેશે. ભાષણબાજીમાં જે તડાફડી કરી શકે ને મોદી-અમિત શાહની સહુથી વધુ આરતી ઉતારી શકે તેને આ પાંચ રાજ્યોમાં મોકલાશે. હા, એ એવા નેતાઓ પણ હોવા જોઈએ જેમને કોરોના ન થઈ શકે. આ જરાક અઘરું છે પણ જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી સૌથી વધુ સભાઓ તો સી.આર.પાટીલે જ સંબોધી છે એટલે તેઓ કોરોના પ્રૂફ થયા કહેવાય ને હર્ષ સંઘવી તો પાટીલના પગલે પગ માંડનારા છે. તો આ બન્નેને પાકા સમજવા ને બાકી વિશે તો પત્તાં ચીપાશે. કેટલાક જો કે એવુંય વિચારતા હશે કે અત્યારે કોરોનાના સમયમાં આપણો નંબર ન લાગે તો સારું. જો કે એવું વિચારનારા વિશે તો ક્યારનુંય અંતર્યામી મહાનેતાઓએ વિચારી લીધું હશે. કેટલાંકને ચૂંટણીના ચટકા હોય છે ને કેટલાક માટે ચૂંટણીના ઝટકા હોય છે.
વાઈબ્રન્ટ કેન્સલ સરકારી નામોશીની ખામોશી સાલે કોન્ટ્રાક્ટરોને
પોતે જેમાં નિષ્ફળ રહ્યા હોય તેના વિશે સરકાર કશું ન કહેવામાં જ ડહાપણ સમજતી હોય છે. વાઈબ્રન્ટ વાઈબ્રન્ટ બહુ કર્યું પણ છેલ્લે તેની હવા નીકળી ગઈ અને તેનું મુખ્ય કારણ એ જ કે વાઈબ્રન્ટનો ટાર્ગેટ પૂરો જ નથી થવાનો તે સરકાર સમજી ગઈ. યોજીને નિષ્ફળતાના ધજાગરા કરવા તેના કરતાં કેન્સલ કરવાથી બાકી રહેલી ઈજ્જત બચાવી શકાય છે. બાકી, વાઈબ્રન્ટના ઘોડે અનેક જણા ચડી ગયા હતા. હવે સરકારનું તો સમજ્યા પણ વાઈબ્રન્ટમાં અનેકને જે કોન્ટ્રાક્ટ અપાયા હતા તેમને પૂછનાર કોઈ નથી. સરકારી આદેશ એટલે કામ તો કરવું પડે અને કામની રકમ તો દરેક પોતાની અંગત હેસિયતથી ‘સાહેબ’ પાસે નક્કી કરાવે. હવે વાઈબ્રન્ટ મોકૂફ રહ્યાથી પેલા સાહેબો વચ્ચેથી ખસી જશે ને કોન્ટ્રાક્ટરોએ અધિકારીઓ પાસે આંટાફેરા ખાવા પડશે. મતલબ કે વાઈબ્રન્ટ કરે કોણ ને તેમાં મરે કોણ? જો વાઈબ્રન્ટ યોજાતે તો તેનું ગૌરવ લેવા મુખ્ય મંત્રી તૈયાર હતા પણ હવે નામોશી લેવા કોઈ તૈયાર નથી. પેલા કોન્ટ્રાક્ટરો પસ્તાતા હશે કે ફસાયા તો આપણે પણ સરકારી તંત્ર સાથે ભરાનારાઓનું એવું હોય કે તે કાંઈ બોલી ય ન શકે. વળી સામે ચૂંટણી આવી રહી છે ત્યારે નવા કોન્ટ્રાકટ પણ તો મેળવવાના થશે એટલે જે થાય તે ‘સેટલ’કરી દેવાનું. આવા વખતે સહુની સરકાર કોઈની નથી હોતી.
ઘેટાંઓ હવે વાડા બદલવા માંડ્યાં છે
સામે ચૂંટણી આવી રહી હોય ત્યારે ઘણા નેતાઓ પોતાની બજારકિંમત શું છે એ જાણવા આ પક્ષ, તે પક્ષની કુકરી રમી લેતા હોય છે. આણંદ વિસ્તારમાં જયંત પટેલ- બોસ્કી એવા જ નેતા છે. હવે તેમની પાસે કારકિર્દીનાં વધારે વર્ષ તો બચ્યાં નથી પણ જે બચ્યાં છે તેને રોકડા કરવા માંગે છે એટલે પોતે છે તો NCPના નેતા પણ ઈશારા ભાજપને કરી રહ્યા છે. ગુજરાતમાં NCPને કોઈ પૂછતું નથી અને તેના નેતા રહેવામાં કંઈ માલ નથી એટલે ભાજપ સાથે ઈશ્કબાજી માટે તેઓ તૈયાર થયા જણાય છે. બોસ્કી અત્યાર પહેલાં સારસા ને હમણાંનાં વર્ષોથી ઉમરેઠથી પ્રતિનિધિત્વ કરે છે એટલે ઉમરેઠના ધારાસભ્યને આ ઈશ્કબાજી મંજૂર નથી. તેમણે કહી દીધું છે કે બોસ્કીને ભાજપમાં લેશો તો હું કોંગ્રેસમાં ચાલ્યો જઈશ. તેમના આમ કહેવાથી મફતમાં જ કોંગ્રેસ ખુશ થઈ શકે ને બોસ્કી પણ. વાત એટલી જ છે કે ચૂંટણી આવે એટલે ઘણાં ઘેટાંઓ વાડા બદલતા હોય છે પણ કયા ઘેટા માટે વાડો ખોલવો તે તો વાડાનો માલિક જ જાણતો હોય છે. બોસ્કીને લાવવાથી ભાજપને કોઈ મોટો ફાયદો થવાનો નથી કારણ કે NCP તેમને નુકસાન કરી શકે તેમ નથી. પણ બોસ્કી પોતાની બજારકિંમત ઊભી કરવા ઊંચાનીચા છે એવું જરૂર કહી શકાય પણ લાગે છે કે એમનો વાડો બદલાવાનો નથી.
400 મહેમાનોના 150? હવે પોલીસ પટાવવાની ગાઈડલાઈન પાળજો
તમારે ત્યાં લગ્ન હોય. કંકોત્રીઓ વહેંચી દીધી હોય ને પછી મહેમાન રદોત્રી છપાવી એ નિમંત્રિતોને મોકલવી પડે તો? આ તો સીધું અપમાન જ કહેવાય કે નહિ? પણ આ સરકાર એવું કરાવી રહી છે. કેન્દ્રની ગાઈડલાઈનથી ચાલતી આ સરકાર પોતે ગાઈડલાઈન બહાર પાડે ત્યારે વિચારતી નથી કે ક્યાં લોચા મારે છે. કોરોના વધી રહ્યો છે તે ખરું પણ સરકારનું દિમાગ ઘટી રહ્યું હોય તેનું શું? પણ આ સરકાર આદેશ આપવામાં જ માને છે. તે કાંઈ રિવર્સમાં તો સાંભળતી નથી. મંત્રીનો સચિવાલયથી ફોન આવે તો તમે એ નંબર પર સામેથી ફોન ન કરી શકો. સરકાર સંભળાવતી હોય છે, સાંભળતી નથી. તેમાંય આ મુખ્ય મંત્રી તો તેમના કાન ફક્ત દિલ્હી તરફ જ રાખે છે. ત્યાંનું કહેલું સાંભળો પછી કોઈનું ન સાંભળો તો ચાલે. હવે તમારે ત્યાં લગ્ન હોય ને 400ને કંકોત્રી વહેંચી ચૂક્યા હો તો તમે જાણો. 150 ઉપરના હશે તો આવનાર અને તેને બોલાવનાર બંને ગુનેગાર. હા, તમને પોલીસ પટાવતા આવડતું હોય તો વાંધો નહીં આવે અને પોલીસ પટાવવાની ગાઈડલાઈન સરકાર બહાર પાડતી નથી પણ હા એ બધા જ પાળે છે. પોતપોતાની રીતે. કેટલાક ગુના સરકારમાન્ય હોય છે!