Comments

નવી સરકારના પડકારો અને અગ્રતા ક્રમનાં કામો

ભારતમાં નવી સરકારનું ગઠન થઇ ગયું છે. એન ડી એ ની સરકાર બની છે અને વડા પ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યું છે. સમૂહ માધ્યમોને ચર્ચાનો નવો વિષય મળ્યો છે કે ગઠબંધન સરકાર લાંબુ ખેંચશે કે નહિ. જો કે આ ચર્ચાનો કોઈ અર્થ નથી. ભાજપ પાસે 240 સીટ છે અને જે બે પાર્ટીએ ટેકો આપ્યો છે તેમની પાસે એવી કોઈ સંખ્યાશક્તિ નથી કે તે ભાજપને હંફાવી શકે.

ઉલટાનું પોતપોતાના રાજ્યમાં કેન્દ્રમાંથી વધારે લાભ મેળવવા માટે તેઓ આ જોડાણમાં જોડાયેલા રહે તે તેમના લાભમાં છે. આવનારા સમયમાં મહારાષ્ટ્ર અને બિહાર હરિયાણામાં ચૂંટણી છે ત્યારે શું બને છે તે જોવાનું છે. જો રાજકીય વ્યૂહરચના મુજબ વિચારીએ તો ભાજપે અત્યારથી જ બિહાર નીતીશ કુમારના હવાલે કરી દીધું છે એટલે બિહારમાં ભાજપની સત્તા તો નથી જ આવવાની તે નક્કી થઇ ગયું છે અને યુપીમાં સમાજવાદી પાર્ટી  મજબૂત બની છે તે દેખાઈ રહ્યું છે.

આ ચૂંટણી પરિણામો સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને કેટલાક સંદેશ આપે છે. આ સંદેશાઓ કાન માંડીને સાંભળવા જેવા છે. સૌ પ્રથમ તો જે અયોધ્યામાં રામ મંદિર નિર્માણના આંદોલનથી દેશમાં ભાજપ મજબૂત બન્યો, જેના નામે ૨૦૧૪ અને ૨૦૧૯ માં બહુમતીવાળી સરકાર બની તે જ રામ મંદિરના ઉદ્ઘાટન પછી તરત યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અયોધ્યા સીટ જ હારી ગયું! આવું જ ૧૯૯૨ માં વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યો ત્યારે થયું હતું.કલ્યાણસિંહની સરકાર હારી હતી.

આ લોકશાહી છે. અહીં એક અને એક બે નથી થતું. અટલબિહારી બાજપાઈની સરકાર વખતે ઇન્ડિયાશાઈનીંગ બહુ ચગ્યું હતું. મિડિયાના ગણતરીબાજો એ સમયે પણ કંઈક જુદા ગણિત જ આપતા હતા, પણ ભાજપ હાર્યું હતું. આવું જ આ વખતે મોદીની ગેરંટીમાં થયું. ભારતમાં ગેરંટી માત્ર બંધારણ આપી શકે છે, કોઈ પક્ષ કે વ્યક્તિ આપી શકતું નથી. આ પ્રથમ મુદ્દો સમજવા જેવો છે તે એ કે રોડ શો કરો એના કરતાં રોડ ઉપર પેટિયું રળી ખાનારાંની ચિંતા કરો. તમે વાર તહેવારે ઉદ્ઘાટન, રોડ શો, મહોત્સવ અને એ પણ વ્યક્તિકેન્દ્રી કર્યા કરો તો આ દરમિયાન આખો વિસ્તાર બ્લોક કરી નાંખવામાં આવે, રસ્તા પરના ફેરિયાઓ હટાવી દેવામાં આવે, ધંધા રોજગાર બંધ રાખવામાં આવે તો સ્વાભાવિક છે કે આ લોકોના મત વિરુદ્ધમાં જાય જ.

આ ચૂંટણીનાં પરિણામો બે બીજી વાતો સમજાવે છે. એક તો આપણે આ લેખમાં લખી હતી કે ભાજપમાં હવે બીજો પ્રવાહ મોટો થવા માગે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી તેમણે ભાજપની ભગિની સંસ્થાઓ ગણાતી બજરંગ દલ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમો નિયંત્રિત કર્યા હતા. બંધનાં એલાનો, દેખાવો અને ધાર્મિક ઉન્માદવાળા કાર્યક્રમો પર નિયંત્રણ આવ્યું હતું. મોદીએ આર્થિક વિકાસ ,વિદેશી મૂડીરોકાણ વગેરે બાબતો મોટી કરી પોતાની પ્રગતિશીલ છબી ઊભી કરી, જેનો ફાયદો પણ થયો. કેન્દ્રમાં બે ટર્મ સરકાર રહ્યા પછી હવે આ પરિબળો છેલ્લા ઘણા સમયથી સપાટી ઉપર આવવા મથી રહ્યા છે અને માટે જ અયોધ્યાના પરિણામ પછી હિન્દુઓને જ બદનામ કરતા મેસેજનું પૂર આવ્યું તો ભાજપના જ લોકોએ કહેવું પડ્યું કે ખમૈયા કરો.

ખેર, ભાજપે આ ઉગ્ર જૂથને કાબૂમાં રાખવું પડશે. વળી ગુજરાતમાં જે સરળતાથી નેતાઓની ફેરબદલીથી માંડી ટીકીટ વહેંચણીમાં દાદાગીરી ચાલે છે તે યુપી, રાજસ્થાન અને હરિયાણામાં ચાલી નથી. ત્યાં જે પરિણામો આવ્યાં છે તે ભાજપના આંતરિક મુદ્દાઓને કારણે જ આવ્યાં છે એટલે ભાજપે હવે તેની કાર્યશૈલી બદલવી જરૂરી છે. એક તરફ રાષ્ટ્રીય ભાવનાની વાતો કરવી, બીજી તરફ બે ગુજરાતીનો નારો ચલાવવો કેટલો યોગ્ય? આ ચૂંટણી સ્પષ્ટ સંદેશ આપે છે કે અગ્નિવીર જેવી  કોન્ટ્રાક્ટ સિસ્ટમોના તુક્કા નહીં ચાલે, યુવાનો રોજગારી માગે છે. નક્કર રોજગારી આપો. જૂની પેન્શન યોજનાની માગ પણ ગંભીરપણે  વિચારવી પડશે અને મોંઘવારી તો વધતી જ જાય છે તે કાબૂમાં લો, નહીં તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઘણું ગુમાવવાનું થાશે.

આ સરકાર  સાંજે તુક્કો આવે, રાત્રે અધિનિયમ બહાર પડે અને પછી કાયદો ઘડાય તે રીતે નહિ ચાલી શકે. હવે પહેલાં કાયદો બનશે, પછી જ અમલ થશે. લોકશાહી છે જ નિરાંતે નિર્ણય લેવા માટે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કે સ્થાપિત હિતો તો ઈચ્છે જ કે સરકાર કોઈને પૂછ્યા વગર અમે કહીએ તેમ કરે, પણ સાચું તો એ જ છે કે કોઇ પણ નિર્ણય સમગ્રનો વિચાર કરીને લેવાય. આપણે આશા રાખીએ કે તોડજોડના યુગનો અંત આવે. વિશ્વની મોટામાં મોટી પાર્ટી બનવાની દોડમાં ભાજપ પૂર્ણ બહુમતવાળી પાર્ટી ના બની શકી. એ અગત્યની વાત ઘણું કહી જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top