નડિયાદ: નડિયાદ તાલુકાના ચલાલીમાં રહેતા શખ્સે સગીર વયની બાળાની છેડતી કરી, તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં આરોપીને નડિયાદ કોર્ટ દ્વારા ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. નડિયાદ તાલુકાના ચલાલીમાં રહેતો રાજેશ ઉર્ફે રાજુ સોમાભાઇ તળપદા તા. ૪-૦૧-૨૦૨૧ના રોજ ગીરધર નગર પાસેથી પસાર થતી મોટી નહેરે ગયો હતો. જ્યાં ૧૭ વર્ષની સગીરા કપડાં ધોતી હતી. આ સમયે રાજેશે સગીરાને ઇશારા કરીને તેની સાથે ખેંચતાણ કરી હતી. રાજેશે સગીરાને બળજબરીપૂર્વક બાઇક ઉપર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, સગીરા તાબે ન થતાં તેની સાથે ખેંચતાણ કરીને, તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલો શનિવારે નડિયાદના પોક્સો જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ રાહુલ જી.બ્રહ્મભટ્ટની દલીલો, પુરાવાઓ તેમજ સાક્ષીઓની જુબાનીને માન્ય રાખી ન્યાયાધિશ ડી.આર.ભટ્ટ દ્વારા આરોપી રાજેશને ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત સગીરાને વળતર પેટે રૂ. ૫૦ હજાર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.