વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. મેયર તરીકે નિલેશ રાઠોડની આ અંતિમ સામાન્ય સભા હતી. આજે બે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને વિકાસના કામોને મંજુર કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકા દ્વારા દર મહિને 20 તારીખ પહેલા સામાન્ય સભા બોલાવવાની હોય છે. સભા બોલાવ્યા બાદ જો કોઈ વ્યક્તિનું નિધન થયું હોય તો તેઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સભા મુલતવી રાખવામાં આવે છે. મુલતવી રખાયેલ સભા તે પછીના દિવસોમાં બોલાવાય છે તે મુજબ અગાઉ બે સભાઓ મુલતવી રાખવામાં આવી હતી જે આજરોજ બોલાવવામાં આવી હતી. મેયર તરીકે નિલેશ રાઠોડ, ડેપ્યુટી મેયર નંદાબહેન જોષી તથા સ્થાયી સમિતિના ચેરમેન, દંડક અને પક્ષના નેતાની આ અંતિમ સામાન્ય સભા હતી.
સભામાં જે કામો એજન્ડા ઉપર લેવામાં આવ્યા હતા તેમાં જાહેરાત વિભાગ ને જાહેરાત હકોનો ઉપયોગ બાબતે મ્યુ. કમિશ્નર તરફથી દરખાસ્ત મોકલવામાં આવી હતી જેને સ્થાયી સમિતિએ પણ મંજુર કરી હતી જે સમસનય સભામાં મંજુર કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યપાલક ઇજનેર ર્સવર્ગમાં વર્ગ-૦૧ માં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર અને HOD (ટાઉન ડેવલપમેન્ટ તથા અન્ય વિભાગ) તરીકે ફરજ બજાવતા જીતેશ ત્રિવેદી વયમર્યાદાના કારણે તા:૩૧-૦૮-૨૨ ના રોજ નિવૃત્ત થવાથી તેઓની ટાઉન ડેવલપમેન્ટ વિભાગની ટેકનીકલ અને વહીવટી કામગીરીના બહોળા અનુભવનો લાભ વડોદરા મહાનગરપાલિકાને મળી રહે અને જાહેર હિતને ધ્યાને લઇ તેઓને વયનિવૃત્તિ બાદ પુનઃનિયુકતિ બાબતે દરખાસ્ત કરવામાં આવી હતી જેને મંજૂરી આપવામાં આવી છે.
પાલિકા દ્વારા હરણી વિસ્તારમાં સ્કલ્પચર પાર્ક બનવવામાં આવ્યું છે જેમાં લોકોને વિના મુલ્યે પ્રવેશ બાબતે સામાન્ય સભામાં નિર્ણય લઇ આ કામને મંજૂરી આપવામાં આવી છે. તો પાલિકા દ્વારા સુભાનપુરા વિસ્તારમાં જે બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે તેમાં એક ટ્રસ્ટને જગ્યા આપી તેમાં ડાયાલીસીસ સેન્ટર ઉભું કરવાની દરખાસ્ત હતી જેમાં આ ટ્રસ્ટ રાહતદરે ડાયાલીસીસ સેન્ટર ચલાવશે તેમ જણાવાયું હતું જો કે સભાએ આ કામમાં નક્કર પોલિસી બનાવી રજુ કરવા જણાવ્યું હતું. આ બાબતે વિપક્ષના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પણ વિરોધ કરી પાલિકાએ જાતે જ નિભાવણી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. આ કામ મુલતવી રખવામાં આવ્યું છે. વિપક્ષના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે ટીપી કપાતનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને શહેરના દુમાડ, વેમાલી તેમજ સામા વિસ્તારમાં દોઢ લાખ સ્કવેર ફૂટ જમીન ઓછી કપાઈ હોવાનું જણાવ્યું હતું જેના કારણે પાલિકા અને નાગરિકો બંને ને નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.
સામાન્ય સભામાં મેયર પ્રસ્તાવ મંજુર કરાયો
ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં જ ચંદ્રયાન 3 નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અને આ ઐતિહાસિક સિદ્ધિ બાદલ 23 ઑગષ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આ સિદ્ધિ બદલ મહાનગરપાલિકા દ્વારા અભિનંદન પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને મેયર દ્વારા આ અભિનંદન પ્રસ્તાવને મંજુર કરવામાં આવ્યો હતો, પાલિકા દ્વારા નેશનલ સ્પેસ ડેને આવકાર્યો હતો. અને ચંદ્રયાન મિશન સાથે જોડાયેલ તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. દેશના યુવાનોને વિજ્ઞાન સાથે જોડવા પ્રેરિત કરવા સમાજ જીવનની અને શિક્ષણ જગતની પ્રતીતિ હસ્તીઓને અપીલ કરી હતી.
રાંધણ છઠના રોજ સભા રખાતા મહિલાઓમાં કચવાટ
આજે રાંધણ છઠ હોઈ મહિલાઓએ ટાઢી શેરી માટે જમવાનું બનાવવાનું હોય છે તેવામાં બે – બે સામાન્ય સભા બોલાવાતા મહિલા સભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો. સાંજના સમયે તેઓએ જમવાનું બનાવવાનું હોય છે. એક મહિલા કોર્પોરેટરે તો એમ પણ જણાવ્યું હતું કે અમારા ઘરે કોઈ જમવાનું બનાવવા માટે બાઈ નથી આવતા જાતે જ જમવાનું બનાવવાનું હોય છે ત્યારે આ દિવસે સભા બોલાવતા મહિલા કોર્પોરેટરમાં કચવાટ જોવા મળ્યો હતો.
આવતા વખતે સભા ક્યારે બોલાવવી તે તો અમે જ નક્કી કરીશું
મેયર તરીકે નિલેશ રાઠોડની આ અંતિમ સામાન્ય સભા છે અને તે રાંધણ છઠના દિવસે બોલાવતા મહિલા કોર્પોરેટરોમાં ગણગણાટ જોવા મળ્યો હતો. જો કે કેટલીક મહિલાઓ તો એમ પણ ચર્ચા કરતા જોવા મળી હતી કે હવે પછી સામાન્ય સભા ક્યારે બોલાવી તે આપણે જ નક્કી કરીશું ને કારણ કે હવે અઢી વર્ષ માટે મહિલા મેયર હશે. એક મહિલા સભ્ય એ આ વાત કરતા જ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.