World

ભારતમાં જન્મેલા વિક્રમ પટેલ હાર્વર્ડ મેડિકલ સ્કુલના ગ્લોબલ હેલ્થ એન્ડ સોશિયલ મેડિસીનના અધ્યક્ષ બનશે

ન્યૂયોર્ક: ભારતમાં (India) જન્મેલા વિક્રમ પટેલ જેઓ જાણીતા સંશોધક અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત છે તેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના (Harvard Medical School) ગ્લોબલ હેલ્થ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગના આગામી અધ્યક્ષ (Chairman) હશે.

મુંબઈમાં જન્મેલા વિક્રમ પટેલ, જેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ખાતે બ્લાવટનિક ઈન્સ્ટિટ્યૂટમાં ગ્લોબલ હેલ્થના પર્સિંગ સ્ક્વેર પ્રોફેસર છે, તેઓ 1 સપ્ટેમ્બરના રોજ કાર્યભાર સંભાળશે, એમ ગયા અઠવાડિયે સત્તાવાર જાહેરાત કરાઈ હતી. સમગ્ર જીવનકાળ દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના ભારણ, સામાજિક ગેરલાભ સાથેના તેમના જોડાણ અને આ સમસ્યાઓના નિવારણ અને સારવાર માટે સામુદાયિક સંસાધનોના ઉપયોગ પર વિક્રમ પટેલનું કાર્ય કેન્દ્રિત છે, તેઓ પૌલ ફાર્મરનું સ્થાન લેશે, જેમણે ફેબ્રુઆરી 2022માં તેમના મૃત્યુ સુધી વિભાગનું નેતૃત્વ કર્યું હતું.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના (એચએમએસ) ડીન જ્યોર્જ ક્યૂ ડેલીએ નિમણૂકની જાહેરાત કરતા કહ્યું હતું કે, ‘વિક્રમ એક લાયક અનુગામી છે અને નેતૃત્વ કરવા માટે અનન્ય રીતે તૈયાર છે.’ વિક્રમ પટેલે જણાવ્યું હતું કે, ‘વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપવા બદલ હું ખૂબ જ ગૌરવ અનુભવું છું.’ ‘હું સભાન છું કે હું માત્ર પોલના પગલાંને જ નહીં પણ વૈશ્વિક સ્વાસ્થ્ય અને સોશિયલ મેડિસિનના કેટલાક સૌથી પ્રભાવશાળી વિદ્વાનોને પણ અનુસરું છું’, એમ પટેલે ઉમેર્યું હતું.

તેમની નિમણૂક વિશ્વભરમાં વધતી જતી માનસિક સ્વાસ્થ્ય કટોકટી અંગે જાગૃતિના સમયે આવી છે. ખાસ કરીને, માનસિક સ્વાસ્થ્યની જટિલતાઓ અંગે પટેલનું ઊંડું જ્ઞાન ન્યુરોસાયન્સ અને ન્યુરોબાયોલોજીમાં એચએમએસની શક્તિને પૂરક બનાવશે, એમ ડેલીએ નોંધ્યું હતું.

Most Popular

To Top