બેઇજિંગ : ચીનના (China) ઉત્તર પશ્ચિમ કિંઘાઈ પ્રાંતના એક કાઉન્ટીમાં અચાનક પૂરને (Floods In County) કારણે ઓછામાં ઓછા 16 લોકોનાં મોત (death) થયાં છે અને અન્ય 36 લોકો ગુમ થયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું.કાઉન્ટીના પ્રચાર વિભાગના જણાવ્યા મુજબ, બુધવારે રાત્રે 10:25 વાગ્યાથી શરૂ થયેલા ભારે વરસાદથી (Heavy rain) દાતોંગ હુઈ અને તુ ઓટોનોમસ કાઉન્ટીમાં ભારે પૂર આવતા મોટું નુકસાન થયું હતું. ઠેર-ઠેર ભૂસ્ખલનો થયા હતા અને કેટલીક નદીઓના પ્રવાહ જ બદલાઈ ગયા હતા.
2,000થી વધુ લોકોને બચાવ કાર્ય માટે ઘટના સ્થળે
પ્રચાર વિભાગે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક આપત્તિથી છ ગામોના 1,517 ઘરોના કુલ 6,245 સ્થાનિક લોકો પ્રભાવિત થયા હતા. દાતોંગ કાઉન્ટીમાં અચાનક ભારે વરસાદને કારણે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.રાજ્ય સંચાલિત સ્થાનિક સત્તાવાળાઓએ ગુરુવારે સવારે લેવલ-ટુ કટોકટી જાહેર કરી હતી. સશસ્ત્ર પોલીસ, જાહેર સુરક્ષા, કટોકટી અને આરોગ્ય વિભાગના 160થી વધુ વાહનો સાથે 2,000થી વધુ લોકોને બચાવ કાર્ય માટે ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે.
ચીનમાં ભયનો માહોલ… 60 વર્ષમાં સૌથી વધુ ગરમી
ચીન હાલમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે તેના કેટલાક ભાગોમાં નદીઓ સુકાઈ ગઈ છે. વીજ કટોકટીએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, જેમાં મુખ્યત્વે કારખાનાઓ ખોરવાયા છે. પાકની ઉપજમાં ઘટાડો થવાને કારણે દેશની આર્થિક કટોકટી વધુ ઘેરી બની શકે છે. ચીનના ઘણા ભાગો છેલ્લા 60 વર્ષમાં સૌથી ખરાબ ગરમીનો સામનો કરી રહ્યા છે. સરકારી હવામાન એજન્સીઓના જણાવ્યા અનુસાર, દેશના મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું.
ચીનમાં ઋતુઓને લઇને પણ અસમંજસ ભરી સ્થિતિ
એજન્સીઓએ આગાહી કરી છે કે દક્ષિણમાં વધુ તાપમાન વધુ બે અઠવાડિયા માટે વધુ મુશ્કેલીમાં વધારો કરી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે વરસાદના અભાવે ગરમીમાં વધારો કર્યો છે. આ વર્ષે જુલાઈમાં ગયા વર્ષની સરખામણીએ 40 ટકા ઓછો વરસાદ થયો છે, જે 1961 પછીનો સૌથી ઓછો વરસાદ છે. ચીનના જળ સંસાધન મંત્રાલય દ્વારા સોમવારે પ્રસિદ્ધ કરાયેલા ડેટા અનુસાર, યાંગ્ત્ઝી નદીના ઉપરના ભાગમાં પાણીનું સ્તર તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.
છ દિવસ કામ બંધ રાખવાનો આદેશ
ચીનની યાંગ્ત્ઝે નદી માત્ર પાણીનો મુખ્ય સ્ત્રોત નથી, પરંતુ તે પાક માટે હાઇડ્રોપાવર, પરિવહન અને જીવનનો સ્ત્રોત પણ છે. ચીનમાં વધતી ગરમીને કારણે એર કંડિશનિંગની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે પાવર ગ્રીડ પર વધારાનો ભાર મૂકવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ, સોમવારે, દક્ષિણ-પશ્ચિમ ચીની પ્રાંત સિચુઆન, જે મોટાભાગે હાઇડ્રોપાવર પર નિર્ભર છે, તેણે 19 શહેરોમાં ઘણી ફેક્ટરીઓને ઘરોમાં વીજળી પહોંચાડવા માટે છ દિવસ માટે ઉત્પાદન બંધ કરવા અથવા ઘટાડવાનો આદેશ આપ્યો છે.