સુરત: (Surat) રાંદેર પોલીસે (Rander Police) બાતમીના આધારે બે સ્નેચરોને પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન એક તારક મહેતા (Tarak Mehta) સહિત અનેક સિરિયલોમાં એક્ટર હતો. અને બીજાએ બીએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. પોલીસે બંનેને પકડી રાજ્યભરમાં 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. એક્ટર સટ્ટમાં 20 લાખ રૂપિયા હારતા ચેન સ્નેચીંગના (Chain snatching) રવાડે ચઢ્યો હતો. મિરાજ વભદાસ કાપડી કે જેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં અનેક નાના રોલ કર્યા હતા તેણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તે મુંબઇ ખાતે રહી અલગ અલગ ટી.વી સીરીયલોમાં પણ કામ કરતો હતો.
રાંદેર પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે રાંદેર ભેસાણ ચાર રસ્તા રોડ પાસેથી પોકેટ કોપ મોબાઈલની મદદથી રોડ પરથી પસાર થતા શંકાસ્પદ વાહનોને ચેક કરતા હતા. તે વખતે થોડીવારમાં ઈચ્છાપોર હાઈવે તરફથી મળેલી બાતમી મુજબના વર્ણનવાળા વ્યક્તિ એક બાઈક પર આવતા હતા. તેને આડસ ઉભી કરી ચારેબાજુએથી કોર્ડન કરી પકડી પાડ્યા હતા. બંને પાસેથી તૂટેલી સોનાની 3 નંગ ચેન તથા અલગ અલગ કંપનીના બે મોબાઈલ અને એક બાઈક મળી કુલ ૨,૫૪,૫૦૦ ની મતાનો મુદામાલ કબજે કરાયો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓના નામની પુછપરછ કરતા વૈભવ બાબુભાઈ જાદવ (ઉ.વ. ૨૪, રહે. ઘરનં. ૦૧ પચાસ ખોલી ઈચ્છાપોર, મુળ. જુનાગઢ તથા મિરાજ વલ્લભદાસ કાપડી (ઉ.વ.૨૯, રહે. બંગ્લા નં. ૧૪૧ મન્નડા ફોર બંગ્લો અંધેરી વેસ્ટ મુંબઈ, મહારાષ્ટ્ર. મુળ મંગલધામ ડીમ્બા વાડી બાઈ પાસ જુનાગઢ) જણાવ્યું હતું. બંને આરોપી પકડાતા રાંદેર, ઉધના, મહિધરપુરા સહિતના ગુનાઓ ડિટેકટ થયા હતા.
ક્રિકેટના સટ્ટાનું દેવું ચુકવવા ફરી સટ્ટો રમવા રૂપિયા એકત્ર કરતા હતા
બન્ને આરોપીઓ જુનાગઢ જિલ્લાના વતનીઓ છે. જેમા વૈભવ બાબુભાઈ જાદવે Bsc (કેમીસ્ટ્રી) સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે મિરાજ વભદાસ કાપડીએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. અને જે મુંબઇ ખાતે અલગ અલગ ટી.વી સીરીયલોમાં કામ કરતો હતો. આમ આ મીરાજ કાપડી સ્ટ્રગલીંગ એક્ટર તરીકે મુંબઈ ખાતે કામ કરતો હતો. વૈભવ જાદવને ક્રિકેટ સટ્ટાબેટીંગની આદત લાગી જતા દેવું થઈ ગયું હતું. ભુતકાળમાં પણ અનેક ગુનાઓ આચરેલા છે. મીરાજ પણ મુંબઈ ખાતે ક્રિકેટ સટ્ટા બેટીંગની લતે ચઢી જતા દેવું થયું હતું. બંને જુગારમાં નાણા હારી જતા દેવાદાર થતા નાણાભીડ દુર કરવા માટે મોટર સાયકલ ચોરી કરી ચેન સ્નેચીંગ કરવાના રવાડે ચઢ્યા હતા. અને ફરી સ્નેચીંગથી પૈસા ભેગા કરી સટ્ટો રમતા હતા.
બંને ચોરેલી બાઈક પર નીકળતાં ને એકલી જતીં વૃદ્ધાને નીશાન બનાવતા
પકડાયેલા બન્ને ઈસમો સાથે મળીને બાઈકના લોક તોડી પાવરના છેડાઓ જોડી બાઈક ચોરી કરતા હતા. ચોરી કરેલી બાઈક ઉપર અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને જયાં લોકોની અવર – જવર ઓછી હોય અને વૃધ્ધ મહિલાઓ એકલા ચાલતા ચાલતા જતા હોય તેમની રેકી કરી અછોડા તોડી નાસી જતા હતા.