National

મણિપુરને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ જિલ્લાઓમાં ફરીથી AFSPA લાગુ

મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી હિંસા ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મણિપુરના પાંચ જિલ્લાના છ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોને ‘અશાંત વિસ્તારો’ તરીકે જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે અહીં AFSPA લાગુ કરી છે. આ વિસ્તારોમાં ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, જીરીબામ, કાંગપોકપી અને બિષ્ણુપુરનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે મણિપુરની તાજેતરની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ અને રાજ્યમાં બગડતી સ્થિતિને જોતા આ નિર્ણય લીધો છે.

હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી જવાને કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ જિલ્લાઓમાં AFSPA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે લગભગ 20 વધારાની CAPF કંપનીઓને મણિપુર મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ એકમોને હવાઈ માર્ગે લાવવા અને તાત્કાલિક અસરથી તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. હવે આ વિસ્તારોમાં સશસ્ત્ર દળો અશાંત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી શકશે અને શકમંદોની ધરપકડ કરી શકશે. AFSPA લાગુ થયા પછી સશસ્ત્ર દળોને પણ ગોળીબાર કરવાની વ્યાપક સત્તા મળી છે.

હિંસામાં અત્યાર સુધીમાં 200 લોકોએ જીવ ગુમાવ્યા છે
મણિપુર રાજ્ય સરકારે 1 ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં AFSPA લાગુ કરી હતી જોકે આ 5 જિલ્લાના 6 પોલીસ સ્ટેશન વિસ્તારોને તેમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વિસ્તારોમાં પણ AFSPA લાગુ કરી છે. જેના માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. સોમવારે મણિપુરના જીરીબામ જિલ્લામાં CRPF સાથે અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ આતંકવાદીઓની અથડામણ થઈ હતી જેમાં અગિયાર શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જે બાદ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો. આ એન્કાઉન્ટરના એક દિવસ પછી સશસ્ત્ર આતંકવાદીઓએ જીરીબામ જિલ્લામાં મહિલાઓ અને બાળકો સહિત છ નાગરિકોનું અપહરણ કર્યું હતું. મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા શરૂ થઈ છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે.

Most Popular

To Top