National

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા આપી મોટી ભેટ, રેલ્વે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે

દિવાળીના તહેવાર પહેલાં કેન્દ્ર સરકારે રેલ્વે કર્મચારીઓને મોટી ભેટ આપી. આજ રોજ બુધવારે તા. 24 સપ્ટેમ્બરે થયેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ગ્રુપ C અને ગ્રુપ Dના તમામ રેલ્વે કર્મચારીઓને આ વર્ષે 78 દિવસના બોનસની ચુકવણી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી દેશભરના આશરે 11.5 લાખ કર્મચારીઓને ફાયદો મળશે.

મળતી માહિતી મુજબ બોનસની રકમ ટૂંક સમયમાં સીધી જ કર્મચારીઓના બેંક ખાતામાં જમા થશે. આ ચૂકવણી રેલ્વેના વિવિધ વર્ગોમાં કરવામાં આવશે. જેમાં ટ્રેક જાળવણી કરનારા, લોકો પાઇલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર, ટેકનિશિયન, હેલ્પર્સ, પોઈન્ટમેન, મંત્રી સ્ટાફ અને અન્ય ગ્રુપ Cના નોન-ગેઝેટેડ સ્ટાફનો સમાવેશ થાય છે.

રેલ્વે કર્મચારીઓને દર વર્ષે પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) મળે છે. આ યોજના હેઠળ કર્મચારીઓને તેમના કાર્યક્ષમતા અને સેવાઓને ધ્યાને રાખીને બોનસ આપવામાં આવે છે. આ વર્ષે પણ 78 દિવસના બોનસની જાહેરાત થતા કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીની લાગણી છવાઈ છે.

અર્થતંત્રને પણ મળશે વેગ
આ નિર્ણયથી ફક્ત કર્મચારીઓ જ નહીં પરંતુ સમગ્ર બજાર અને અર્થતંત્ર પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે. નિષ્ણાતો જણાવે છે કે જ્યારે કર્મચારીઓને તહેવારો પહેલાં બોનસ મળે છે ત્યારે તેમની ખરીદી શક્તિમાં વધારો થાય છે.

તેઓ કપડાં, ઈલેક્ટ્રોનિક્સ, ઘરગથ્થુ સામાન અને તહેવાર સંબંધિત વસ્તુઓ પર વધુ ખર્ચ કરે છે. આથી બજારમાં નાણાંનો પ્રવાહ વધે છે અને વેપારીઓ તેમજ ઉદ્યોગોને ફાયદો થાય છે.

સરકાર દ્વારા તાજેતરમાં જ GST દરોમાં ઘટાડાની જાહેરાત પણ કરવામાં આવી છે. જેના કારણે તહેવારોની મોસમમાં બજારમાં વધુ ઉછાળો આવશે તેવી અપેક્ષા છે.

સરકારનો આ નિર્ણય તહેવારોની સીઝન પહેલાં રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ખરેખર મોટી રાહત સમાન સાબિત થયો છે.

Most Popular

To Top