નવી દિલ્હી: કમ્પ્યુટર (computer) ટેક્નોલોજી (technology) ક્ષેત્રે (sector) કેન્દ્ર સરકારે (government) આજે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં નેશનલ ક્વોન્ટમ મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે. 2023-24થી 2030-31 સુધીમાં આ મિશન માટે રૂ. 6003.65 કરોડ ફાળવવાનો નિર્ણય કેબિનેટ (cabinet) દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે.
નેશનલ ક્વોન્ટમ મિશન કમ્પ્યુટર ટેક્નોલોજી ક્ષેત્રે ભારત માટે ખૂબ જ મહત્વનું પરિબળ છે. કારણકે ક્વોન્ટમ ટેક્નોલોજી સામાન્ય કમ્પ્યુટર કરતાં ખૂબ ઓછા સમયમાં ખૂબ વધુ ડેટા પ્રોસેસ કરવામાં સક્ષમ છે. ક્વોન્ટમ ટેક્નોલોજીથી દેશમાં એક નવી ક્રાંતિ આવશે અને વિવિધ ક્ષેત્રોના વિકાસને નવી પાંખો મળશે. સમગ્ર વિશ્વમાં અત્યારે માત્ર 6 દેશો જ ક્વોન્ટમ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં હોવાનું જણાવાયું છે.
કેન્દ્રિય કેબિનેટની મિટીંગ બાદ આજે જિતેન્દ્ર સિંહ અને અનુરાગ ઠાકુરે નેશનલ ક્વોન્ટમ મિશન અંગે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે દેશમાં ક્વોન્ટમ ટેક્નોલોજી માટે ચાર મુખ્ય હબ બનાવવામાં આવશે, જેનું સંચાલન સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ કરશે. મિશનને દિશા-નિર્દેશ આપવા માટે એક ગવર્નિંગ બોડી પણ બનાવવામાં આવશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે હેલ્થ, ફાર્મા, ટેલિકમ્યુનિકેશન, ફાઈનાન્સ, એનર્જી, ડીફેન્સ તેમજ ડેટા સુરક્ષા મામલે તેનો ઉપયોગ થઈ શકે છે. હકીકતમાં ભારતને વિશ્વમાં અગ્રણી દેશ બનાવવાની નેમ સાથે નેશનલ ક્વોન્ટમ મિશન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ક્વોન્ટમ ટેક્નોલોજી હકીકતમાં ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્રની જ એક શાખા છે. તે ખૂબ જ ઝડપી અને લાભદાયી છે. હાલના જૂની ટેક્નોલોજીના કમ્પ્યુટર્સ માટે અમુક પ્રક્રિયા જટિલ હોય છે અને તેમાં સમય પણ વધુ લાગે છે. જ્યારે ક્વોન્ટમ ટેક્નોલોજી ખૂબ જ ઓછા સમયમાં જટિલ પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં સક્ષમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ સાથે જ સિનેમાટોગ્રાફ એક્ટ 2023 મુદ્દે પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ઘણાં સમયથી માંગ હતી કે પાયરસી અંગે સરકાર કોઈ યોગ્ય નિર્ણય લે અને તેને પુરી કરવામાં આવી છે. સિનેમાટોગ્રાફ એક્ટ 2023થી ફિલ્મ જગત, કલાકારો અને પ્રશંસકોને ખૂબ મોટો લાભ મળશે એવું તેમણે ઉમેર્યું હતું.