Gujarat

ગુજરાતમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોરને કેન્દ્રની મંજૂરી

ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગુજરાતમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોરને મંજૂરી આપી છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીની બેઠકે દેશમાં કુલ રૂ. ૫૦,૬૫૫ કરોડના વિવિધ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને મંજૂરી આપી છે. જેમાં ખાસ કરીને ભારતમાલા પરિયોજનામાં એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટસ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના ૨૧૪ કિ.મી. ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈ સ્પીડ કોરીડોર માટે રૂ. ૧૦,૫૩૪ કરોડ મંજૂર કર્યા છે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભારતમાલા પરિયોજના ફેઝ-૧ અન્વયે અમૃતસરથી જામનગર સુધી સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેનું નિર્માણ હાથ ધરાઈ રહ્યું છે. આ આર્થિક કોરીડોર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાથી પસાર થઈ રહ્યો છે. તેમ જ અમૃતસર અને મુંબઈ વચ્ચે એક્સપ્રેસ-વે કનેક્ટિવિટી પૂર્ણ કરવા માટે અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરીડોરને ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે દ્વારા અમદાવાદ સાથે જોડવાની જરૂરિયાત છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે તેમ વડાપ્રધાનના નેતૃત્વની કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું છે. તેમણે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીનો પણ ગુજરાતને આ માતબર રકમ મંજૂર કરવા માટે આભાર દર્શાવતા ઉમેર્યુ છે કે, આ કોરીડોર ફાર્મા, ઈલેક્ટ્રોનીક્સ ક્લસ્ટર્સ અને એસ.ઈ.ઝેડ. સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને બહેતર કનેક્ટિવિટી આપશે. એટલું જ નહિ, માલસામાનના પરીવહન ખર્ચમાં ઘટાડો અને સમયમાં બચત પણ થશે. પીએમ મોદીએ આ સંદર્ભમાં થરાદ, ડિસા, મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોર માટે મંજૂરી આપીને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સાથે કનેક્ટિવિટીની મહત્વપૂર્ણ દીશા ખોલી આપી છે, તેમ મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે.

Most Popular

To Top