Gujarat

વસતી ગણતરી ડિજિટલ ગવર્નન્સમાં નવા માપદંડ સ્થાપિત કરશે : દાસ

ગાંધીનગર: ભારતની વસતી ગણતરી–૨૦૨૭ના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંતર્ગત ગાંધીનગર ખાતે ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની વિશેષ બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ એમ.કે. દાસના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વસતી ગણતરીને ચોકસાઈ, પારદર્શિતા અને ડિજીટલ ગવર્નન્સના બેન્ચમાર્ક તરીકે સ્થાપિત કરવાની દિશામાં ચર્ચા થઈ હતી.

મુખ્ય સચિવ એમ કે દાસે જણાવ્યું હતું કે વસતી ગણતરી દેશનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ વહીવટી કાર્યક્રમ છે. વર્ષ ૨૦૨૭ની ગણતરી દરેક નીતિ-નિર્ણય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પાયારૂપ બનશે. શહેરી વિસ્તારોમાં ઝડપથી વધતી વસતીને ધ્યાનમાં રાખીને વિકાસલક્ષી આયોજન માટે આ આંકડાઓ અત્યંત મહત્વના સાબિત થશે. અગાઉ ૩થી ૪ વર્ષ લાગતી આ પ્રક્રિયા ડિજિટલ સાધનોના વ્યાપક ઉપયોગથી વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે.

ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસતી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ સમકાલીન વસતી ગણતરી ૧૮૮૧માં યોજાઈ હતી અને ત્યારથી ૨૦૧૧ સુધી દર દસ વર્ષે નિયમિત રીતે આ પ્રક્રિયા હાથ ધરાય છે. તેમણે જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને આ કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.

ગુજરાતના વસતી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે વસતી ગણતરી વિશ્વની સૌથી મોટી અને જટિલ વહીવટી કામગીરીઓમાંની એક છે, જે સંસાધનોની ફાળવણી, શહેરી આયોજન અને કલ્યાણ યોજનાઓ માટે આધારરૂપ છે. ૨૦૨૭ની ગણતરી ડેટા આધારિત અને ટેક્નોલોજી સુસજ્જ શાસનના યુગમાં વધુ મહત્વ ધરાવે છે.

રાજ્ય સરકાર સર્વોચ્ચ વહીવટી સજ્જતા સાથે વસતી ગણતરી-૨૦૨૭ સફળતાપૂર્વક પૂર્ણ કરવા પ્રતિબદ્ધ હોવાનું મુખ્ય સચિવે જણાવ્યું હતું.

વસતી ગણતરી બે તબક્કામાં યોજાશે

સરકારના નિયત કાર્યક્રમ મુજબ ૨૦૨૭ની વસતી ગણતરી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં ઘર યાદી અને આવાસ ગણતરી (House Listing & Housing Census) હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં વસતી ગણતરી (Population Enumeration) થશે. ગુજરાતમાં HLO તબક્કાની કામગીરી એપ્રિલ-મે ૨૦૨૬ દરમિયાન શરૂ થશે, જેમાં નાગરિકોને ઓનલાઈન સ્વ-માહિતી નોંધાવવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

પ્રથમ વખત ડિજિટલ સ્વ-ગણતરીની નવી પહેલ

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે આ વખતે ટેક્નોલોજી આધારિત અનેક નવી પહેલો અમલમાં મૂકાશે. પ્રથમ વખત મકાન સૂચિકરણ તબક્કામાં ડિજિટલ સ્વ-ગણતરી (Self-Enumeration)ની સુવિધા ઉપલબ્ધ કરાશે, જેથી નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે અને વાસ્તવિક સમયમાં પારદર્શિતા વધે.

Most Popular

To Top