દેશમાં 2025ની શરૂઆતમાં વસ્તી ગણતરી શરૂ થશે. આ વખતે 2026માં વસતી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં વસ્તી ગણતરીનું ચક્ર સંપૂર્ણપણે બદલાઈ જશે, જો કે જાતિ ગણતરી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
1951 થી દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ 2021 માં કોરોના રોગચાળાને કારણે વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. આ સિવાય નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ને અપડેટ કરવાનું કામ પણ પેન્ડિંગ છે. વસ્તી ગણતરીની નવી તારીખ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. સેન્સસ અને એનપીઆરને અપડેટ કરવાનું કામ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થવાની શક્યતા છે અને 2026માં સેન્સસ ડેટા બહાર પાડવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આનાથી ભવિષ્યમાં વસ્તી ગણતરીના ચક્રમાં ફેરફાર થશે, જેમ કે 2025-2035 અને પછી 2035 થી 2045માં વસ્તી ગણતરી થશે.
વિરોધ પક્ષો પણ જાતિ ગણતરીની માંગ કરી રહ્યા છે
રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરે વસ્તી ગણતરી દરમિયાન પૂછવા માટેના 31 પ્રશ્નો તૈયાર કર્યા છે. આમાં ‘પરિવારનો વડા અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો છે અને પરિવારમાં કેટલા લોકો રહે છે?’ જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે? વિપક્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) જેવા રાજકીય પક્ષો દેશમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) ની કુલ સંખ્યા જાણવા માટે જાતિ ગણતરીની માંગ કરી રહ્યા છે. એક સૂત્રએ જણાવ્યું કે સરકારે હજુ સુધી જાતિ ગણતરી અંગે કોઈ નિર્ણય લીધો નથી.
આ ઉપરાંત સરકાર 2026 માં વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા પછી સીમાંકન કાર્ય સાથે આગળ વધશે કે કેમ તે હજી નક્કી નથી. દક્ષિણના રાજ્યોના ઘણા રાજકારણીઓ ચિંતિત છે કે સીમાંકન તેમના રાજ્યોની લોકસભામાં બેઠકો અને તેમની રાજકીય શક્તિમાં ઘટાડો કરી શકે છે, કારણ કે તેઓ વસ્તી નિયંત્રણમાં સફળ રહ્યા છે. જ્યારે, ઉત્તરના રાજ્યોમાં આવું નથી. બીજી તરફ, બંધારણની કલમ 82 જણાવે છે કે જ્યાં સુધી 2026 પછી પ્રથમ વસ્તીગણતરીનો ડેટા જાહેર ન થાય ત્યાં સુધી લોકસભામાં રાજ્યોને સીટોની ફાળવણી 1971ની વસ્તી ગણતરીના આધારે ફરીથી કરવામાં આવશે નહીં. મતલબ કે જો 2025માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે તો તેના ડેટાના આધારે સીમાંકન કરી શકાય નહીં.
પ્રથમ વસ્તી ગણતરી 1872 માં અને છેલ્લી 2011 માં હાથ ધરવામાં આવી હતી
વસ્તી ગણતરીની પ્રક્રિયા દરમિયાન દરેક પરિવારને પૂછવામાં આવેલા 31 પ્રશ્નોમાં ‘ઘરમાં કેટલા લોકો રહે છે, ઘરના વડા પુરુષ કે સ્ત્રી છે, ઘરમાં કેટલા રૂમ છે અને ઘરમાં ટેલિફોન, ઇન્ટરનેટ અથવા વાહન છે કે કેમ’ જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. પ્રથમ વસ્તી ગણતરી 1872 માં હાથ ધરવામાં આવી હતી. 1947માં આઝાદી પછી, પ્રથમ વસ્તી ગણતરી 1951માં હાથ ધરવામાં આવી હતી અને છેલ્લી વસ્તી ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી. આંકડાઓ અનુસાર 2011માં ભારતની કુલ વસ્તી 121 કરોડ હતી. જ્યારે લિંગ ગુણોત્તર દર 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ અને સાક્ષરતા દર 74.04 ટકા હતો.