ફિલ્મ કલાકારો, ટી. વી. કલાકારો, ક્રિકેટરો અને જૂજ સંખ્યામાં અન્ય રમતોના ખ્યાતનામ ખેલાડીઓ આ બધા સેલિબ્રિટીઝ ટી. વી. પર જુદી જુદી કંપનીઓના પ્રોડક્ટની જાહેરખબરોમાં જે તે કંપનીના પ્રોડક્ટની જાહેરાત કરતાં જોવા મળે છે જેને માટે જે કંપનીના પ્રોડક્ટની તેઓ જાહેરાત કરતા હોય તે કંપની તેમને કરોડો રૂપિયા ચૂકવતી હોય છે અને તે આટલી મોટી રકમ એમ જ નથી ચૂકવતા પણ જેટલી રકમ ચૂકવે તેના પ્રમાણમાં કંપનીની પ્રોડક્ટની કિંમતમાં વધારો કરે છે.
ટી. વી. એવું સાધન છે કે અત્યારે તે ગરીબના ઘરમાં પણ જોવા મળે છે. હવે જે મુખ્ય મુદ્દો છે તે એ છે કે જે પ્રોડક્ટની સેલિબ્રિટીઝ જાહેરાત કરે છે તે પ્રોડક્ટનો તેઓ પોતાના ઘરમાં ઉપયોગ કરે છે ખરા?
જો જવાબ ના હોય તો તેઓ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે અને તે એક જઘન્ય અપરાધ ગણાવો જોઈએ અને તે માટે ચોક્કસ સજાનું પ્રાવધાન હોવું જોઈએ. કોઈક એવી દલીલ કરી શકે કે તેઓ જાહેરાત કરે છે, તમે તે પ્રોડક્ટ વાપરો જ તેવું થોડું કહે છે? તો એવી દલીલ ટકી ન શકે કારણકે આખો દેશ જાણે છે કે બહુમત પ્રજા સેલિબ્રિટીઝને ભગવાનની જેમ ગણતી હોય છે અને એટલે સેલિબ્રિટીઝ જે કંઈ જાહેરાત કરે તેનું પ્રજા અનુકરણ કરવાની જ.
ટૂંકમાં સેલિબ્રિટીઝના કોઈ પણ કંપનીના પ્રોડક્ટની જાહેરાત કરવા પર પ્રતિબંધ હોવો જરૂરી છે કારણકે તેને લીધે દેશની ભોળી અને મોટા ભાગની અશિક્ષિત પ્રજા ગેરમાર્ગે દોરવાઈ છે અને જે પ્રોડક્ટની જાહેરાત કરવા છતાં સેલિબ્રિટીઝ પોતે જેનો ઉપયોગ નથી કરતા તે પ્રોડક્ટ વધુ કિંમત આપીને ઉપયોગમાં લેવા પ્રેરાય છે.
બહુમતી પ્રજાના હિતાર્થે સરકારે સેલિબ્રિટીઝના કોઈ પણ કંપનીની જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂકવો જ જોઈએ જેથી પ્રજા જે તે કંપનીની પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવી શકે. જે કંપનીની પ્રોડક્ટ સારી હશે તેનો ઉપયોગ પ્રજા સેલિબ્રિટીઝની જાહેરાત વગર પણ કરશે જ.
સુરત -સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.