Gujarat

આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં કેવડિયા ખાતે આવતીકાલે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી એકતા પરેડમા સહભાગી બનીને સલામી ઝીલશે.

કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી, માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે.

જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ 2018 પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં 76 સભ્યો ભાગ લેશે.

દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે અને ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાંનિધ્યમાં પહોંચી છે તેઓ પણ આ એકતા પરેડમા સહભાગી થશે.

Most Popular

To Top