પરીક્ષાઓ પૂરી થઈ અને પરિણામોની જાણે સિઝન આવી. તેમાં પણ 10.12 બોર્ડનું પરિણામ એટલે જિંદગીનું પરિણામ! એક સમાચાર મુજબ બારમા ધોરણમાં બે પેપર ખરાબ ગયા હોવાથી તેમાં નાપાસ થવાના ભય માત્રથી પરિણામના એક દિવસ પહેલાં જ એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો. જો કે બીજા દિવસના પરિણામમાં તે બધા વિષયોમાં પાસ જાહેર થયો. આવા માહોલમાં એક રાષ્ટ્રીય સમાચાર બની ગયેલો કિસ્સો સૂચક રીતે અહીં ઘણું કહી જાય છે. કર્ણાટકમાં દસમીની પરીક્ષામાં બધા જ છ વિષયોમાં નાપાસ થયેલા દીકરાનાં મા-બાપે તેના માટે પાર્ટી રાખી, કેક કાપીને ઉજવણી કરી.
તેમણે કહ્યું ‘તું પરીક્ષામાં અસફળ થયો છે જીવનમાં નહીં, કોઈ ને કોઈક પરીક્ષા હશે તેમાં તું જરૂર સફળ રહેશે. આજે પરીક્ષામાં માર્કસ, મેરિટને પ્રાધાન્ય આપતાં આ યુગમાં તેમણે માર્કસ કરતાં મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું. દીકરા માટે મા-બાપનો પ્રેમ કોઈ પરીક્ષાના પરિણામ કે માર્કસનો મોહતાજ નથી, એ સાબિત કરી બતાવ્યું. બાળકના જીવન પ્રત્યેનો અભિગમ સુધારી દીધો. એટલીસ્ટ, હવે પછીની જિંદગીમાં પડકારજનક પરિસ્થિતિમાં કદાચ કોઈ ક્ષેત્રે અસફળ પણ રહેશે તો તે હતાશ કે દુ:ખી થશે નહીં અને આપઘાતનું અવિચારી આત્યંતિક પગલું તો ભરશે જ નહીં.
સુરત – કલ્પના બામણિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.