Charchapatra

વિશ્વ યોગદિનની ઉજવણી

તા.21 જૂનના રોજ સમગ્ર ભારતમાં મહિલા સશક્તિકરણ થીમના આધારે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ. યોગને જીવનનો હિસ્સો બનાવીએ તો તેનો યથાર્થ લાભ લાંબા ગાળે મળી શકે. સૌ જાણીએ છીએ કે, આપણી ધરોહર યોગને સાચવવા 2015થી આ ઉજવણી શરૂ થઈ છે. સંસ્કૃત ધાતુ  યુજ્  પરથી યોગ શબ્દ બન્યો છે, તેનો અર્થ થાય છે  જોડવું. મન અને મગજમાં ઊર્જા, શક્તિ અને સુંદરતા જોડે છે.જ્યાં શરીર ત્યાં મન. યોગ એટલે સુખ, શાંતિ, આનંદ, ઉત્કર્ષ અને અભ્યુદય. યોગ એટલે  ‘પ્રેમ,શાંતિ અને ખુશીનો શ્વાસ અંદર અને નફરત,ગુસ્સો અને ઈર્ષાનો શ્વાસ બહાર.’ આજના સ્પર્ધાત્મક યુગમાં સ્વસ્થ જીવન જીવવું હોય તો યોગ રોગમુક્ત જીવવાની ચાવી છે.

યોગ શરીરને ઊર્જાવાન રાખે છે, ખૂબસૂરતી આપે છે. એટલે આજના યુવાનો જીમ અને એરીબીક્સને બદલે યોગના દિવાના બન્યા છે. યોગ-પ્રાણાયામનો સૌથી મોટો લાભ રોગપ્રતિકારકશક્તિ વધારે છે. યોગ વિષયનું અંગ આસન છે. ધ્યાન,આસનો અને પ્રાણાયામ કરી શ્વાસોચ્છવાસનું નિયમન કરી શરીરસૌષ્ઠવથી મનને શાંત રાખી શકીએ છીએ, જેનાથી રોગોથી બચી શકાય અને ક્રોધ-ગુસ્સા પર નિયંત્રણ થઈ શકે છે.આવો, આપણે સૌ યોગના પ્રયોગથી નિરોગી બનીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયની સરાહનીય પ્રવૃત્તિઓ
શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયમાં દર વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન નાનાં મોટાં બાળકો માટે માનસિક, બૌધ્ધિક અને શૈક્ષણિક વિકાસ થાય એ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. હોલ બનાવવામાં આવ્યો તેની સાથે નાનાં બાળકોને વાર્તાશ્રવણ અને કથનની પ્રવૃ્ત્તિ શરૂ કરી છે, જેમાં 150 જેટલાં નાનાં બાળકો દરરોજ આવે છે અને અનેક પ્રવૃત્તિઓ કરે છે.

આ બાળકો માટે અનેક દાતાઓ ઉદાર દિલે દાન પણ આપે છે, જેનાથી બાળકોને સારો પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને પ્રોત્સાહન મળે એ માટે ઇનામો પણ આપવામાં આવે છે. દેશભક્તિ બાળકોમાં જાગૃત થાય એ માટે સારી ફિલ્મો પણ બતાવવામાં આવે છે. પુસ્તકાલયના પ્રમુખ અને મંત્રી, સર્વે કામગીરી ગણ ખુબ જ મહેનત કરી રહ્યા છે. ખરેખર પુસ્તકાલયની પ્રવૃત્તિ ખૂબજ સરાહનીય અને અનુકરણીય છે.
નવસારી           – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top