નાટક, સિનેમા, સંગીતના જાહેર જલસા જો સૌથી વધુ યોજાતા હોય તો તે શનિ – રવિવારે. મનોરંજન પ્રિય સહુ માટે વિશ્વભરમાં આ દિવસ મહિમામય હોય છે. આજે તો વિશ્વ રંગભૂમિ દિવસ. ઉજવણીનું 60મું વર્ષ. ધ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયુટ તેની ઉજવણી ઓનલાઇન કરશે. આપણા સુરતના નાટય કળાકારો ‘રંગહોત્ર-૪’નો આજે ત્રીજો દિવસ છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ચાલી રહ્યો છે ત્યારે આજે આ ત્રીજા દિવસે, વિશ્વ રંગભૂમિ દિવસને આયોજક ‘સ્પા’એ વિશેષ બનાવવા માટે આઝાદીના વિષયને કેન્દ્રમાં રાખી નાટકો ભજવશે. દેશમાં બીજે આવું થવાનું છે કે નહીં તે ખબર નથી પણ રંગહોત્રના પ્રથમ આયોજનથી જ સુરતના નાટ્ય-કળાકારો, દિગ્દર્શકો, ટેકનિશ્યનો એક જુદી રંગભૂમિ સજાગતા સાથે પ્રવૃત્ત રહ્યા છે. રંગહોત્ર પ્રથમ ૨૫ કલાક ૩૦ મિનીટનો હતો અને વણથંભ્યે આટલો સમય ભજવણી થઇ હતી. રંગહોત્રની બીજી આવૃત્તિ ૪૯ કલાકની સતત ભજવણીથી ખાસ બનેલી. રંગહોત્ર-૩ કોવિડ પ્રભાવિત હોવાથી ઓનલાઇન ભજવણી થયેલી અને તેમાં ‘ગુજરાતના નાથ’ વિષય કેન્દ્રમાં રહેલો. આ વેળા છે આઝાદી કા અમૃત મહોત્સવ.
કુલ ૬૮ કૃતિ, ૨૭૫ કળાકારો, ૩૫૦ પાત્રો વડે ‘રંગહોત્ર-૪’ વિશેષ બન્યોછે અને એટલે જ તેનો આરંભ કરાવવા દીપક ઘીવાળા જેવા અભિનેતા આવ્યા જે આમ સુરતનાં જ છે અને મુંબઇની રંગભૂમિ પર સહુથી વધુ વર્ષ સક્રિય રહી ચુકયા છે. આજે પણ તેઓ ટી.વી. સિરીયલ્સમાં અભિનેતા તરીકે જોવા મળે છે. આજના વિશ્વ રંગભૂમિ દિવસે ગુજરાતી નાટકોના અભિનય પછી ગુજરાતી ફિલ્મોમાં ખાસ સ્થાને રહી ચુકેલા હિતેનકુમાર હાજર રહેશે. સુરત મહાનગરપાલિકા હંમેશા નાટકોને માટે પ્રોત્સાહક રહી છે અને આ વેળા પણ વિશ્વ રંગભૂમિ દિવસ તેમના સહકારથી જ શકય બન્યો છે એટલે તેના પદાધિકારીઓ આ ત્રણેત્રણ દિવસ ‘સ્પા’ની સાથે યજમાન રહ્યા છે. કેન્દ્રિય મંત્રી દર્શના જરદોષ અને ગુજરાત ભારતીય જનતા પક્ષનાં અધ્યક્ષ સી.આર. પાટિલ ઉપસ્થિત રહેતા ઉત્સવ ખાસ બનશે. ગુજરાતમાં સૌથી વધુ નાટ્યપ્રવૃત્તિ કરનાર શહેર તરીકે સુરત જાણીતું છે અને ગુજરાતનાં અન્ય કોઇપણ શહેરમાં ન હોય તેટલા અભિનેતા – અભિનેત્રી, દિગ્દર્શક, ટેકનિશ્યંસ સુરત પાસે છે. વિત્યા બે વર્ષ વિશ્વભરની રંગભૂમિ માટે દુ:સ્વપ્ન સમા વિત્યા છે એ ખરું. સુરતના નાટ્યકર્મીઓ હવે નાટકની પ્રવૃત્તિમાં નવા અભિગમ સાથે, નવા વિઝન સાથે સક્રિય છે. એ કારણે જ પૂરા એક વર્ષ સુધી દર મહિને ત્રણ એકાંકી ભજવ્યા અને બોકસ ઓફિસને પણ તેની સાથે જોડી.
નાટ્યકર્મીઓના સ્વમાન જળવાય રહે અને તેમની પ્રવૃત્તિ સ્પર્ધા બહાર નિયમિત બને એ માટે સુરતના પ્રેક્ષકોએ મોટી ભૂમિકા ભજવવાની છે. વિશ્વ રંગભૂમિ દિવસની ત્રણ દિવસની ઉજવણીના આર્થિક પાસાની જોગવાઇ આયોજકોએ જ કરી છે. સુરતના નાટયરસિકો જો ખરા અર્થમાં સુરતની રંગભૂમિને ચાહતા હોય તો તેમણે હવે પોતાના દૃષ્ટિકોણનેય બદલવો જોઇએ. જો તેઓ ટિકિટ ખરીદતા થશે તો સુરતની રંગભૂમિ વધારે નાટકો નિયમિતપણે ભજવતી થશે. સ્પોન્સર્ડ રંગભૂમિ હોય તો તે પબ્લિક સ્પોન્સર્ડ હોય ને તેમાં આર્થિક બાબતો હોય જ. સુરતમાં વ્યાપારી, સામાજીક, શૈક્ષણિક અને જે કળા સંસ્થાઓ છે તેમણે સુરતની રંગભૂમિ સાથે સહકાર આપવા માટે વિચાર અને આયોજન કરવા જોઇએ. સુરત મહાનગરપાલિકા હંમેશા રંગભૂમિની સાથે રહી છે અને રાજકીય પક્ષનાં નેતાઓમાં પણ નાટક પ્રત્યે સાચા ભાવ અને હકારાત્મક વલણ છે તો હવે સુરતનાં લોકો સક્રિય બને એ જ આ વિશ્વ રંગભૂમિ દિવસની સાર્થકતા ગણાશે.
સુરત પર્ફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિએશન (સ્પા) આયોજિત આ વિશ્વ રંગભૂમિ દિવસ એલ.પી. સવાણી રોડ પરના પર્ફોમિંગ આર્ટ સેન્ટરમાં ફરી વાર યોજાઇ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા જો ઇચ્છે તો સુરતના નાટ્ય કળાકારોને વર્ષભર સક્રિય ખાસ બનાવી શકે છે. મહાનગરપાલિકાએ ભાડુ એટલું રાખ્યું છે કે નાટ્ય સંસ્થાઓને પોસાઇ ન શકે અને એટલે પ્રેક્ષકોને પણ ન જ પોસાઇ. સુરતના નાટ્યગૃહો ચલાવવા માટે એક જુદી નાટ્યદૃષ્ટિની જરૂર છે. જો આમ થશે તો જ રંગભૂમિ વધુ નિયમિત બનશે અને પ્રેક્ષક પણ. સુરત બહારથી આવતા, મુંબઇના વ્યવસાયી નાટકો માટે તેઓ ભલે જુદી રીતે વિચારે કારણકે તેમનો હેતુ તો ધંધો જ છે. રંગહોત્ર-૪ નો આજનો દિવસ ખાસ છે અને તે વધુ ખાસ એ કારણે પણ બનશે કે શાંતિલાલ મિસ્ત્રી, એસ.આર. ખાન, આશિત મહેતા, ભારતી શાસ્ત્રી, યઝદી કરંજિયા જેવાનું સન્માન પણ થશે. સાંજે ચાર વાગ્યાથી રંગમંચ પર નાટકો ભજવાતા થશે તે રાત્રે બાર સુધી ભજવાશે. આયોજકોએ જે વિશ્વ રંગભૂમિ દિવસને ખાસ બનાવ્યો છે તેને નાટ્યરસિકો પણ ખાસ બનાવે. ‘સ્પા’ રચાયા પછી સુરતની ભંગભૂમિને આયોજનાત્મક નવા પરિમાણો પ્રાપ્ત થાય છે તે માટે તેમને પણ અભિનંદન!