દર વર્ષે 23 મી એપ્રિલનો દિવસ વિશ્વ પુસ્તક દિન તરીકે ઉજવવામાં આવે છે. દુનિયાના 100 કરતાં વધુ દેશોમાં આ દિવસની ઉત્સાહભેર ઉજવણી થાય છે. લોકોને પુસ્તકો વાંચવા માટેની પ્રેરણા મળે તથા ખાસ કરીને નવી પેઢીમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય અને રીડિંગ હેબિટ બને તે માટે પુસ્તક દિવસની ઉજવણીમાં સૌની સામેલગીરી થાય તે આજના ડિજિટલ યુગની માંગ છે. વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગની ખરાબ અસરો વ્યાપકપણે દેખાવા માંડી છે ત્યારે તણાવ ઓછો કરવા તથા ધ્યાન કે એકાગ્રતા વધારવા માટે વાંચન અતિ આવશ્યક છે.
યુવા પેઢીએ લીડર બનવું હશે તો તે માટે સારા રીડર બનવું જ પડશે. ડિજિટલ યુગમાં પુસ્તક નહીં વાંચનાર લોકોએ જેઓ સારા સારા પુસ્તકોનું વાંચન કરી રહ્યા છે તેમની આંગળી પકડીને ચાલવું પડશે. યુવાન મિત્રોને અપીલ છે કે ડિજિટલ વિશ્વમાં રચ્યાપચ્યા રહેવાને બદલે પુસ્તકો સાથે ગાઢ મૈત્રી કરીને તમારી યાદશક્તિમાં વધારો કરો , દરરોજ કંઈક નવું નવું શીખતા રહો , અને તમારું શબ્દ ભંડોળ વધારતા રહો. 21 મી સદી એ જ્ઞાનની સદી છે. પુસ્તકો થકી જ તમારા જ્ઞાનમાં વધારો થતો રહે છે. નવી પેઢી સ્માર્ટ ફોનમાં પણ પુસ્તકો વાંચતા થયા છે તે સારી વાત છે. યુવાનોને વાંચવાનું ગમતું નહીં હોય તો ઓડિયો બુક સાંભળીને પણ પુસ્તકનો આનંદ તમે માણી શકો છો. પુસ્તક પ્રેમીઓને વિશ્વ પુસ્તક દિવસની શુભકામના પાઠવું છું.
નવસારી – ડૉ. જે.એમ.નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
