SURAT

સુરતના આ જાણીતા પરિવાર સાથે ગંગોત્રીમાં CDS બીપિન રાવતની મુલાકાત થઇ હતી, પૂછ્યું હતું, ‘કહાં સે આ રહે હો..!’

સુરત: (Surat) ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપિન રાવતની (CDSBipinRawat) આક્સ્મિક નિધન થતાં સમગ્ર દેશ શોકમાં સરી પડ્યો છે ત્યારે સુરત સાથે તેમની જોડાયેલી એક યાદ બહાર આવી છે. સુરતના એક પરિવારની તેમની સાથે ગંગોત્રી ખાતે મુલાકાત થઇ હતી. સિક્યુરિટીની વચ્ચે પણ તેમણે આ પરિવારને નજીક બોલાવ્યો હતો અને કહાં સે આ રહે હો એવી વાત કરી હતી. જેના જવાબમાં તેમણે ગુજરાત કહેતાં જ તેમના ચહેરા પર સ્મિત આવી ગયું હતું.

બીપિન રાવત સાથેની મુલાકાત અંગે સુરત ખાતેના ગજાનન બુક સ્ટોર્સના માલિક વિજયભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, 2019માં તેઓ ચારધામની યાત્રા પર ગયાં હતાં. તેઓ ગંગોત્રી જઇ રહ્યાં હતાં તે સમયે અચાનક જ સેનાની મુવમેન્ટ વધી ગઇ હતી અને ગંગોત્રી જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે તેઓ અચરજમાં મુકાઇ ગયા હતા અને થોડી પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું હતું કે, સીડીએસ બીપિન રાવત તેમના પત્ની સાથે ગંગોત્રીના દર્શન કરવા માટે આવી રહ્યાં હોવાથી સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી. તેમની કાર પણ પાંચ કિલોમીટર દૂર પાર્ક કરાવી દેવામાં આવી હતી.

જો કે, તેઓ સિનિયર સિટિઝન્સ હોવાથી તેમને તેમજ તેમની પત્ની પ્રિતી ઠક્કરને ચાલતાં જવા દેવામાં આવ્યા હતાં, જો કે, તે સમયે તેમણે સીડીએસ રાવતને જોવાનો નિર્ધાર કર્યો હોવાથી એક સાંકડા પુલ પાસે નાની જગ્યામાં તેઓ ઉભા રહી ગયા હતાં. ત્યાંથી સિક્યુરિટીની વચ્ચે બીપિન રાવત જેવા પસાર થયાં એટલે તેમણે એક ખૂણામાં રહીને જય હિન્દના નારા લગાવ્યાં હતાં. ભારે સિક્યુરિટી વચ્ચે તેઓ પસાર થતા હતા ત્યારે તેમને નારા લગાવતાં જોઇને ઇશારાથી નજીક બોલાવતા સિક્યુરિટી સ્ટાફે તેમને મળવા માટે બોલાવ્યાં હતાં. અને તેમને પૂછ્યું હતું કે કહાં સે આ રહે હો. ત્યારે તેમણે ગુજરાત સેનો જવાબ આપતા બે થી અઢી મિનિટની મુલાકાત આપી હતી અને ફોટો પણ પડાવ્યો હતો.

Most Popular

To Top