અમેરિકાની ટોચની રોગ નિયંત્રણ સંસ્થાએ જણાવ્યું છે કે જેમને કોવિડ-૧૯ની રસીના પૂરા ડોઝ મૂકાઇ ગયા છે તેવા અમેરિકન નાગરિકો દેશમાં અને વિશ્વમાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. તેમને પ્રવાસે જતાં પહેલા ટસ્ટિંગ કરાવવું પણ જરૂરી નથી અને પ્રવાસેથી પરત આવ્યા બાદ તેમણે ક્વોરેન્ટાઇન થવાની પણ જરૂર નથી.
અમેરિકાના સેન્ટ્રલ ફોર ડીસીઝ કન્ટ્રોલ(સીડીસી) દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેમનું સંપૂર્ણ રસીકરણ થઇ ગયું છે તેવા અમેરિકન નાગરિકો માટે હવે દેશમાં કે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાનું સલામત છે. આરોગ્ય અધિકારીઓએ આ પહેલા જેમને સંપૂર્ણ રસી મૂકાઇ ગઇ છે તેવા લોકોને પણ છૂટથી પ્રવાસો કરવા સામે ચેતવણી આપી હતી.
પરંતુ સીડીસીએ હવે એ નિયમ રદ કર્યો છે કે જેમને સંપૂર્ણ રસી મૂકાઇ ગઇ છે તેવા લોકોએ પણ વિદેશ પ્રવાસેથી પરત આવ્યા બાદ ચોકકસ મુદ્દત સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું. અમેરિકનોએ હવે વિદેશ પ્રવાસે જતી વખતે કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી નથી, સિવાય કે તેઓ જે દેશમાં જતા હોય તે દેશમાં નેગેટિવ કોવિડ રિપોર્ટ જરૂરી ગણાવતો નિયમ હોય.
આ ઉપરાંત અન્ય કોઇ પણ દેશના નાગરિકો કે જેઓ અમેરિકા આવતા હોય તેમને પણ જો પૂરી કોવિડ રસી મૂકાઇ હોય તો તેમણે અમેરિકામાં આવ્યા બાદ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે નહીં અને અમેરિકનો – જો તેમને રસીના પૂરા ડોઝ મૂકાયેલા હોય તો તેમણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બેસતા પહેલા નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ બતાવવો જરૂરી બનશે નહીં.
અલબત્ત, હજી પણ ચીન, ઇરાન, યુકે, આયર્લેન્ડ, બ્રાઝિલ, સાઉથ આફ્રીકા અને યુરોપના ભાગોમાંથી અમેરિકા આવતા લોકોને અમેરિકામાં પ્રવેશતા અટકાવતા ટ્રમ્પના સમયના નિયમ હજી અસ્તિત્વમાં છે, જેમાં કેટલીક આવશ્યક ધંધાકીય મુસાફરીઓ માટે અપવાદ આપવામાં આવ્યો છે. સીડીસીની નવી ગાઇડલાઇન એના પછી આવી છે જ્યારે પશ્ચિમી વસંત ઋતુમાં વિક્રમી સંખ્યામાં અમેરિકનોએ પ્રવાસો કર્યા હતા.